લંડનઃ ડ્યૂક ઓફ યોર્ક, પ્રિન્સ એન્ડ્રયુએ અમેરિકામાં સેક્સ્યુઅલ એબ્યુઝના કાનૂની કેસમાં વર્જિનિયા ગિયુફ્રે સાથે કોર્ટ બહાર સમાધાન કરી લીધું છે. આ સમાધાન ‘૧૦થી ૧૨ મિલિયન પાઉન્ડ’માં થયું હોવાનું કહેવાય છે જેમાં, મિસ ગિયુફ્રેને અંગત વળતર અને પીડિતોના અધિકાર સંબંધિત ચેરિટીને દાનનો સમાવેશ થાય છે. એમ પણ કહેવાય છે કે ક્વીને આ પતાવટમાં પ્રિન્સને કેટલીક રકમ આપવા તૈયારી દર્શાવી છે.
પ્રિન્સે યૌનશોષણખોર ફાઈનાન્સિયર જેફ્રી એપ્સટેઈન સાથે પોતાના સંબંધ વિશે ખેદ વ્યક્ત કરવા ઉપરાંત, એપ્સટેઈને વર્ષો દરમિયાન અસંખ્ય યુવાન છોકરીઓની હેરફેર કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું. જોકે, તેમણે વર્જિનિયા સાથે સગીરાવસ્થામાં સેક્સ સંબંધ બાંધ્યાનો ઈનકાર યથાવત રાખ્યો હતો.
ન્યૂ યોર્કમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા ડોક્યુમેન્ટમાં પ્રિન્સ અને વર્જિનિયા વચ્ચે થયેલા લાખો પાઉન્ડના સમાધાનમાં જણાવાયું છે કે મિસ ગિયુફ્રે એબ્યુઝનો શિકાર બની હોવાનું પ્રિન્સ સ્વીકારે છે જેમના પર ગેરવાજબી જાહેર ટીકાઓ-હુમલાઓ કરાયા છે. પ્રિન્સે વર્જિનિયા અને અન્ય પીડિતાની બહાદુરીની પ્રશંસા કરતા હોવાનું પણ જણાવ્યું હતું. વર્જિનિયા યુએસમાં ૧૭ વર્ષની હતી ત્યારે પ્રિન્સે તેની સાથે શારીરિક સંબંધ બાંધી યૌનશોષણ કર્યો હોવાનો યુએસની ન્યૂ યોર્ક કોર્ટમાં કેસ કર્યો હતો. આ સિવાય પણ બે વખત સેક્સસંબંધ થયાનું તેણે જણાવ્યું હતું.
એન્ડ્રયુના સેટલમેન્ટમાં ક્વીનની નાણાસહાય
યૌનશોષણના આક્ષેપો કરનારને ચૂકવાનારી આટલી મોટી રકમ ક્યાંથી આવી છે તેવા પ્રશ્નો મધ્યે અન્ય અહેવાલો મુજબ પ્રિન્સ એન્ડ્રયુના સેટલમેન્ટના ભાગરુપે ક્વીને અંગત રીતે વર્જિનિયા રોબર્ટ્સની ચેરિટીને ૨ મિલિયન પાઉન્ડની ચૂકવણી કરી છે. ક્વીનના જ્યુબિલી સેલિબ્રેશન યરમાં આ કેસ કોર્ટમાં ન જાય તે માટે ૬૧ વર્ષીય ડ્યૂક ઓફ યોર્ક પર ક્વીનનું ભારે દબાણ હોવાનું પણ કહેવાય છે. ડ્યૂક ઓફ યોર્ક અને વર્જિનિયા વચ્ચે સમાધાની સાચી રકમ બહાર આવી નથી પરંતુ, તે ૧૨ મિલિયન પાઉન્ડ સુધી પહોંચી જવાનું મનાય છે. કોર્ટ બહાર સમાધાન પહેલા પણ પ્રિન્સના કાનૂની ખર્ચા ક્વીને ચૂકવ્યાં છે. એન્ડ્રયુ કોઈ આવક ધરાવતા ન હોવાથી કેવીને આ ખર્ચ કરવો પડ્યો હોવાનું પણ કહેવાય છે. ડેઈલી ટેલિગ્રાફના અહેવાલ મુજબ ક્વીન ૨૩ મિલિયન પાઉન્ડના અંદાજિત મૂલ્યની સંપત્તિ ખાનગી ડચી ઓફ લેન્કેસ્ટર એસ્ટેટમાંથી એન્ડ્રયુને નાણાકીય સહાય કરશે.


