પ્રિન્સ એન્ડ્રયુના વકીલને સેક્સ્યુઅલ એબ્યુઝના કેસના પેપર્સ મોકલાયા

Wednesday 22nd September 2021 06:46 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના બહુ વગોવાયેલા પુત્ર પ્રિન્સ એન્ડ્રયુએ તેમના વિરુદ્ધ અમેરિકી મહિલા દ્વારા યુએસ કોર્ટમાં દાખલ કરાયેલા સેક્સ્યુઅલ એબ્યુઝના કેસમાં કોર્ટની હકુમતને પડકારવા નિર્ણય લીધો છે. પ્રિન્સ એન્ડ્રયુનો કેસ એટર્ની એન્ડ્રયુ બ્રેટલર લડવાના છે. બીજી તરફ, ગિયુફ્રેના વકીલોએ જણાવ્યું હતું કે પ્રિન્સના એટર્નીને સેકસ્યુઅલ એસોલ્ટની કાનૂની દાવાના પેપર્સ મોકલી દેવાયા છે. બ્રેટલરે પ્રિન્સ વિરુદ્ધના કેસને પાયાવિહોણો અને સત્યથી વેગળો તથા ચાલી ન શકે તેવો જણાવ્યો હતો.

પ્રિન્સ એન્ડ્રયુને આ કેસની કાર્યવાહી અંગે નોટિફાય કરી શકાય કે નહિ તે મુદ્દો ગત સપ્તાહે સિવિલ કેસના પ્રથમ પ્રી-ટ્રાયલ હીઅરિંગમાં ઉભો થયો હતો. આ કેસના જજ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લેવિસ કાપ્લાને એવો ચુકાદો આપ્યો છે કે ગિયુફ્રેની લિગલ ટીમ ડ્યૂક ઓફ યોર્કના લોસ એન્જલસસ્થિત ધારાશાસ્ત્રી એન્ડ્રયુ બી બ્રેટલરને પેપર્સ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. આ કેસની બીજી મીટિંગ ૧૩ ઓક્ટોબરે યોજાશે.

અમેરિકાના વર્જિનિયા સ્ટેટની ગિયુફ્રેએ પ્રિન્સ એન્ડ્રયુ સામે દાખલ કરેલા જાતિય કનડગતના કેસ સંબંધિત દસ્તાવેજો વિન્ડસર પેલેસને મોકલી અપાયા હોવાના અહેવાલો છે. ગયા મહિને દાખલ કરાયેલા કેસમાં ગિયુફ્રેએ દાવો કર્યો છે કે ૨૦ વર્ષ અગાઉ તે ૧૧ વર્ષની હતી ત્યારે કહેવાતી સમાજસેવિકા ગીસ્લેઈન મેક્સવેલના ઘરમાં પ્રિન્સે તેનું જાતિય શોષણ કર્યું હતું. આ ઉપરાંત, કુખ્યાત ફાઈનાન્સિયર અને બાળ યૌનશોષણખોર એપ્સસ્ટેઈનના ખાનગી ટાપુ અને તેના ન્યુ યોર્કસ્થિત મેન્શનમાં પણ તેની સાથે જાતિય સંબંધો બાંધવામાં આવ્યા હતા.

૬૧ વર્ષીય પ્રિન્સ એન્ડ્રયુએ ગિયુફ્રે સાથેના સેક્સ સંબંધોનો ઈનકાર કર્યો હતો. જોકે, આ પછી તેઓ ૨૦૧૯થી શાહી ફરજોથી અળગા થઈ ગયા હતા. ગિયુફ્રેએ ચાઈલ્ડ વિક્સિમ્સ એક્ટ હેઠળ પ્રિન્સ સામે કરેલા કેસની ફરિયાદના પેપર્સ પ્રિન્સના નિવાસના મુખ્ય પ્રવેશદ્વારે લગાવાયા હતા, જે બાબતે પ્રિન્સના પ્રવક્તાએ કોઈ ટીપ્પણી કરી ન હતી.

સમાજસેવિકા ગીસ્લેઈન મેક્સવેલે ફાઈનાન્સિયર એપ્સસ્ટેઈન માટે નાની બાળાઓને કામે રાખવાના આક્ષેપોનો સદંતર ઈનકાર કર્યો હતો. મેક્સવેલ સામે કેસની સુનાવણી ૨૯ ઓક્ટોબરથી થવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter