લંડનઃ પ્રિન્સ એન્ડ્રુ ડ્યુક ઓફ યોર્કના રાજવી દરજ્જાનો ત્યાગ કરવા સહમત થઇ ગયા છે. બકિંગહામ પેલેસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રિન્સ એન્ડ્રુ નાઇટ ગ્રાન્ડ ક્રોસ ઓફ રોયલ વિક્ટોરિયન ઓર્ડર અને રોયલ નાઇટ કમ્પેનિયન ઓફ ધ મોસ્ટ નોબલ ઓર્ડર ઓફ ધ ગાર્ટર જેવા સન્માનોનો પણ ઉપયોગ નહીં કરે. તેમનો ફક્ત રાજકુંવર તરીકેનો દરજ્જો જળવાઇ રહેશે કારણ કે તેઓ ક્વીનનું સંતાન હોવાના કારણે આ દરજ્જો છીનવી શકાતો નથી.
એક નિવેદનમાં પ્રિન્સ એન્ડ્રુએ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ અને મારા રાજવી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે મારા પર મૂકાતા આરોપોના કારણે કિંગ અને રાજવી પરિવાર વિચલિત થઇ રહ્યાં છે. તેથી મેં મારા પરિવાર અને દેશને પ્રથમ રાખવાનો નિર્ણય કર્યો છે. જાહેર જીવનમાંથી દૂર થઇ જવાના પાંચ વર્ષ પહેલાના મારા નિર્ણયને હું વળગી રહું છું.
પ્રિન્સ એન્ડ્રુએ જણાવ્યું હતું કે, કિંગ સાથે સધાયેલી સહમતિ અનુસાર અમને લાગે છે કે અમારે આગળ વધવું જોઇએ. તેથી હવે હું મારા કોઇ ટાઇટલ કે ઓનર્સનો ઉપયોગ કરીશ નહીં. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે મારા પર મૂકાયેલા તમામ આરોપ પાયાવિહોણા છે.


