લંડનઃ અમેરિકા સહિત વિશ્વભરમાં ખળબળાટ મચાવી રહેલા એપસ્ટિન કાંડે અમેરિકામાં ભલે કોઇનો ભોગ ન લીધો હોય પરંતુ યુકેમાં ધરતીકંપ સર્જી ગયો છે. સેક્સ ઓફેન્ડર એપસ્ટિન સાથેના સંબંધોના કારણે પ્રિન્સ એન્ડ્રુને હવે રાજકુમારનો દરજ્જો ગુમાવવાનો વારો આવ્યો છે.
બકિંગહામ પેલેસે ગુરુવારે જાહેરાત કરી હતી કે કિંગ ચાર્લ્સે તેમના નાના ભાઇને અપાયેલા તમામ ટાઇટલ અને ઓનર્સની સાથે સાથે પ્રિન્સનો દરજ્જો છીનવી લેવાનું અસામાન્ય પગલું ભર્યું છે. કિંગે તેમના ભાઇને વિન્ડસર સ્થિત નિવાસસ્થાન ખાલી કરવાનો પણ આદેશ આપી દીધો છે.
જેફરી એપસ્ટિન સાથેની મિત્રતાના કારણે ઓક્ટોબરના પ્રારંભમાં પ્રિન્સ એન્ડ્રુએ ડ્યૂક ઓફ યોર્ક ટાઇટલનો ત્યાગ કર્યો હતો. એન્ડ્રુ સાથેના એપસ્ટિન સાથેના સંબંધોને કારણે રાજવી પરિવાર છેલ્લા કેટલાક સમયથી પ્રચંડ દબાણનો સામનો કરી રહ્યો હતો. સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની કૂખે જન્મ થયો હોવાથી એન્ડ્રુ પ્રિન્સનું ટાઇટલ ધરાવતા હતા પરંતુ હવે તેમના ભાઇ અને કિંગે આ ટાઇટલ છીનવી લેવાનો પણ નિર્ણય લીધો છે.
બકિંગહામ પેલેસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, એન્ડ્રુ હવે પ્રિન્સ તરીકે ઓળખાશે નહીં અને તેમનું આખું નામ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર રહેશે. તેમન વિન્ડસર કેસલ પરિસરમાં સ્થિત રોયલ લોજ ખાલી કરવાની નોટિસ પણ પાઠવી દેવાઇ છે. એન્ડ્રુ હવે વૈકલ્પિક પ્રાઇવેટ પ્રોપર્ટીમાં રહેવા જશે.
પેલેસે જણાવ્યું હતું કે, પ્રિન્સ એન્ડ્રુ તેમના પર મૂકાયેલા આરોપોનો સતત ઇનકાર કરી રહ્યા હતા તેથી આ પગલું લેવું જરૂરી બની રહ્યું હતું. રાજવી પરિવાર સ્પષ્ટ કરવા માગે છે કે તે કોઇપણ પ્રકારના શોષણને સ્વીકારશે નહીં અને હંમેશા પીડિતોની પડખે રહેશે.
જેફરી એપસ્ટિન સાથેના ગાઢ સંબંધે પ્રિન્સ એન્ડ્રુનો ભોગ લીધો
બળાત્કારના આરોપોસર જેફરી એપસ્ટિન સામે અમેરિકામાં વોરંટ જારી થયું હતું ત્યારે વર્ષ 2006માં પ્રિન્સેસ બર્ટિસના 18મા જન્મદિવસની ઉજવણીમાં પ્રિન્સ એન્ડ્રુએ જેફરી એપસ્ટિનને રોયલ લોજ ખાતે આમંત્રણ આપ્યું હતું. એપસ્ટિન વિન્ડસર કેસલમાં આયોજિત પાર્ટીમાં પણ સામેલ થયો હતો. તેના પુરાવા તરીકે રોયલ લોજના ગાર્ડનમાં એપસ્ટિન સાથે લેવાયેલી તસવીર પણ સામે આવી હતી. એપસ્ટિન સામે કેસ ચાલી રહ્યો હતો ત્યારે 2019માં તેનું જેલમાં જ મોત થયું હતું જ્યારે તેના સાથી ઘિસલેઇન મેક્સવેલને એપસ્ટિનને સેક્સ રેકેટમાં મદદ કરવા માટે 20 વર્ષ કેદની સજા કરાઇ હતી.
પ્રિન્સ એન્ડ્રુના કયા ટાઇટલ અને ઓનર્સ છીનવાયાં
- 1960માં જન્મ સમયે અપાયેલ હીઝ રોયલ હાઇનેસ પ્રિન્સ એન્ડ્રુ આલ્બર્ટ ક્રિશ્ચિયન એડવર્ડ ઓફ યોર્ક ટાઇટલ
- 1986માં સારા ફરગ્યુસન સાથે લગ્ન સમયે ડ્યૂક ઓફ યોર્કનું ટાઇટલ
- ઇર્લ ઓફ ઇન્વરનેસ ટાઇટલ
- બેરોન કિલીલીહ
- ઓનરરી એડમિરલ ઓફ ધ રોયલ નેવી
- કર્નલ ઓફ ધ ગ્રેનેડિયર ગાર્ડ્સ
- ઓર્ડર ઓફ ધ ગાર્ટર
- ઓર્ડર ઓફ ધ થિસલ


