લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન નોર્થ અમેરિકામાં પોતાના નવા જીવનની સારી શરૂઆત કરી શકે તે માટે પ્રિન્સ ચાર્લ્સ અંગત રોકાણોની આવકોમાંથી તેમને એક વર્ષ સુધી નાણાકીય સહાય કરશે. આ સમયગાળામાં તેઓ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સની નાણાકીય વ્યવસ્થા પર નજર રાખશે. બીજી તરફ, ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટમાંથી વાર્ષિક ૨.૩ મિલિયન પાઉન્ડ પણ મળે તેવી શક્યતા નકારાતી નથી. જોકે, મિત્રોએ શાહી યુગલને ચેતવણી આપી છે કે તેમને મળનારી રોકડનો સ્રોત અમાપ નથી. શાહી દંપતી પોતાના ખર્ચ માટે શાહી ઓળખનો ઉપયોગ કરી શકે તે માટે ક્વીન પણ સંમત થયા છે.
હેરી અને મેગન તેમને સોવરિન ગ્રાન્ટ તરીકે મળતી વાર્ષિક ૧૦૦,૦૦૦ પાઉન્ડની રકમ ગુમાવશે અને ફ્રોગમોર કોટેજની નવસજાવટ પાછળ ખર્ચાયેલા ૨.૪ મિલિયન પાઉન્ડ પણ પાછા આપવાના થશે ત્યારે પ્રિન્સ ઓફ વેલ્સ પુત્ર અને પુત્રવધુને કેનેડામાં વૈભવી લાઈફસ્ટાઈલ સાથે સ્વતંત્ર નવું જીવન શરૂ કરવાના પ્રયાસમાં પોતાના અંગત ભંડોળમાંથી મદદ કરવા તૈયાર થયા છે. જોકે, રોકાણોમાંથી પ્રિન્સને મળતી આવક પણ મર્યાદિત છે જેની અસર પણ શાહી દંપતીને મળનારી સહાય પર પડી શકે છે તેવી ચેતવણી પણ તેમને આપી દેવાઈ છે. પ્રિન્સ ઓફ વેલ્સ આગામી એક વર્ષના ગાળામાં હેરી અને મેગનની નાણાકીય વ્યવસ્થા અથવા આવક અને જાવક પર પણ ચાંપતી નજર રાખશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રિન્સ ચાર્લ્સે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સના ફ્રોગમોર કોટેજમાં સુધારાવધારા કરાવવા માટે પણ સોવરિન ગ્રાન્ટ ઉપરાંત, અંગત નાણા ખર્ચ્યા હતા.
પ્રિન્સ ચાર્લ્સ માત્ર હેરીને નહિ, પ્રિન્સ વિલિયમ અને કેટને પણ ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટમાંથી વાર્ષિક ૨.૩ મિલિયન પાઉન્ડ જેટલી મદદ કરતા રહ્યા છે. સૂત્રો કહે છે કે હેરી અને વિલિયમના ખર્ચાઓથી પ્રિન્સ ચાર્લ્સના ભવાં તો ઊંચા થઈ જાય છે પરંતુ, આખરે ચૂકવણી કરવામાં પીછેહઠ કરતા નથી. તેઓ બાળકો સાથે સંઘર્ષનો માર્ગ અપનાવતા નથી. આમ છતાં, બાળકોને મદદ કરવામાં તેમનો ખજાનો ખાલી થતો જાય છે તે પણ હકીકત છે. (૩૨૨)


