પ્રિન્સ ચાર્લ્સ કોરોના એકાંતવાસમાંથી બહારઃ ડચેસ ઓફ કોર્નવોલનો ટેસ્ટ નેગેટિવ

નામદાર મહારાણી સ્વસ્થઃ પ્રિન્સ ઓફ વેલ્સ અને પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા સ્કોટલેન્ડના બાલ્મોરલ પેલેસ ખાતે બે સપ્તાહના એકાંતવાસમાં

Wednesday 25th March 2020 07:34 EDT
 
પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ
 

લંડનઃ બ્રિટિશ તાજના ૭૧ વર્ષીય યુવરાજ પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાઈરસનો ચેપના કારણે સાત દિવસના સેલ્ફ-આઈસોલેશનમાં ગયા હતા તે હવે બહાર આવ્યા છે. ભાવિ રાજવીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા અને તેઓ સ્કોટલેન્ડના બાલ્મોરલ પેલેસ ખાતે બે સપ્તાહના એકાંતવાસમાં હતા. ડચેસ ઓફ કોર્નવોલ આ બીમારી માટેના ટેસ્ટમાં નેગેટિવ જાહેર કરાયાં હતા. યુકેમાં કોરોનાથી ૧૪૦૮ના મોત થયા છે અને ૨૨,૧૪૧ લોકો ચેપગ્રસ્ત છે.

૭૧ વર્ષીય પ્રિન્સ ઓફ વેલ્સને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને તેમના પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા સાથે તેઓ સ્કોટલેન્ડના બાલ્મોરલ પેલેસ ખાતે બે સપ્તાહના એકાંતવાસમાં હતા. ડચેસ ઓફ કોર્નવોલ કોરોના ટેસ્ટિંગમાં નેગેટિવ જાહેર કરાયાં છે અને તેમને કોઈ લક્ષણો જોવાં મળ્યાં નથી. લંડનમાં વોટર એઈડ ઈવેન્ટમાં કોરોનાગ્રસ્ત પ્રિન્સ આલ્બર્ટ ઓફ મોનાકો સાથે ૧૦ માર્ચે મુલાકાત પછી પ્રિન્સ ચાર્લ્સ બીમાર પડ્યા હતા. પરીક્ષણમાં પોઝિટિવ પ્રિન્સ આલ્બર્ટ ઓફ મોનાકોની સામે જ પ્રિન્સ વેલ્સ બેઠા હતા. પ્રિન્સ ચાર્લ્સ ૨૪ કલાક અગાઉ તેમની માતા ક્વીનને પણ મળ્યા હતા.

પ્રિન્સ ચાર્લ્સે બીમાર થવા અગાઉ કોરોના કટોકટી છતાં જાહેર ફરજો નિભાવી હતી. જોકે, તેમણે હસ્તધૂનન કરવાના બદલે ભારતીય પરંપરા અનુસાર નમસ્તે કરવાનું રાખ્યું હતું. લોકો સાથે નિકટનો સંપર્ક ટાળવા છતાં, પ્રિન્સ ચાર્લ્સને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બકિંગહામ પેલેસના એક કર્મચારીને પણ કોરોના પોઝિટિવ જાહેર કરાયો હતો.

અગાઉ, ક્લેરેન્સ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રિન્સ ઓફ વેલ્સ કોરોના વાઈરસ માટે ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેમને હળવાં લક્ષણો જણાય છે તે સિવાય તબિયત સારી છે અને છેલ્લાં થોડા દિવસથી સામાન્યની જેમ જ ઘેર બેસી કામ કરે છે. ડચેસ ઓફ કોર્નવોલને ચેપ નથી પરંતુ, સરકાર અને તબીબી સલાહને અનુસરી તેઓ સ્કોટલેન્ડના નિવાસે સેલ્ફ આઈસોલેશનમાં છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમને કોના થકી ચેપ લાગ્યો હશે તે કહેવું અશ્ક્ય છે કારણકે તાજેતરના સપ્તાહોમાં જાહેર સમારંભોમાં તેઓ સંખ્યાબંધ લોકોને મળ્યા હતા. જોકે, તેમને પ્રિન્સ આલ્બર્ટ દ્વારા ચેપ લાગ્યો હોવા વિશે પ્રશ્ન તો રહેશે જ.

દરમિયાન, ટેસ્ટ પોઝિટિવ જાહેર પ્રિન્સ ચાર્લ્સ અને ટેસ્ટ નેગેટિવ ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા સ્કોટલેન્ડના બાલ્મોરલ પેલેસમાં એકાંતવાસમાં છે. પ્રિન્સ ચાર્લ્સ ૧૨ માર્ચે તેમની માતાને મળ્યા હોવાથી ક્વીનને પણ ચેપ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ હતી. જોકે, ક્વીન સાથે મુલાકાતના ૨૪ કલાક પછી પ્રિન્સને ૧૩ માર્ચે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. આ પહેલા જ ૯૩ વર્ષીય ક્વીન અને તેમના ૯૮ વર્ષીય પતિ પ્રિન્સ ફિલિપ વિન્ડસર કેસલ રહેવાં ચાલ્યાં ગયાં હતાં.

બકિંગહામ પેલેસના પ્રવક્તાએ ક્વીનનો કોરોના વાઈરસ માટે ટેસ્ટ કરાયો છે કે કેમ તેની ટીપ્પણીનો ઈનકાર કરવા સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે નામદાર મહારાણી સ્વસ્થ છે અને તેમના આરોગ્ય સંબંધિત તમામ સલાહસૂચનોનું પાલન કરી રહ્યાં છે. પેલેસ દ્વારા વડા પ્રધાન સાથે ક્વીનની સાપ્તાહિક ટેલિફોનિક વાતચીતની તસવીર પણ જારી કરવામાં આવી હતી. ક્વીન પણ લોકડાઉનમાં છે અને નિકટના પરિવારજનો પણ તેમને મળી શકતા નથી. પ્રિન્સ વિલિયમ અને ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન નોર્ફોકના આનમેર હોલના નિવાસે છે જ્યારે, પ્રિન્સ હેરી અને મેગન કેનેડામાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter