પ્રિન્સ ચાર્લ્સ પ્રથમ ‘બિલિયોનેર પ્રિન્સ’

Friday 01st July 2016 05:22 EDT
 
 

લંડનઃ ડચી ઓફ કોર્નવોલની મિલકતોની વધી ગયેલી કિંમતને લીધે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના પ્રથમ બિલિયોનેર પ્રિન્સ બન્યા છે. ક્લેરન્સ હાઉસ મુજબ તેમની સંપત્તિ આ વર્ષે વધીને ૧,૦૨૧,૭૨૪,૦૦૦ પાઉન્ડની થઈ છે. આમ તો આ મિલકતો પર પ્રિન્સનો સીધો કબજો નથી, પરંતુ તેના વાર્ષિક નફાની રકમ પ્રિન્સની આવક છે. ગયા વર્ષે પ્રથમ વખત જ પ્રિન્સનું વેતન રેકોર્ડ ૨૦ મિલિયન પાઉન્ડની ઉપર પહોંચ્યું હતું. તેમની લંડનસ્થિત પ્રોપર્ટીમાં ૨૩ હાઉસ અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ સામેલ છે.

‘સેલરી’ના આ આંકડા ચાર્લ્સ પોતાની ખાનગી રકમ બાબતે પારદર્શક રહેવા માગતા હોવાનું દર્શાવે છે. ચાર્લ્સ તેમની આવક પર સ્વૈચ્છિક રીતે ઈન્કમટેક્સ ભરે છે. ગત નાણાકીય વર્ષમાં તેમણે રેકોર્ડ પાંચ મિલિયન પાઉન્ડ ટેક્સ ભર્યો હતો.

રાજગાદીના વારસને નાણા આપતા જમીન અને કોમર્શિયલ પ્રોપર્ટીના પ્રાઈવેટ પોર્ટફોલિયો ડચી ઓફ કોર્નવોલની સ્થાપના કિંગ એડવર્ડ ત્રીજાએ વર્ષ ૧૩૩૭માં કરી હતી. ચાર્લ્સે ૨૧ વર્ષની વયે ૧૯૬૯માં તેનું મેનેજમેન્ટ સંભાળ્યું હતું અને તેના નફાની પૂર્ણ રકમ મેળવવા હકદાર બન્યા હતા. તેઓ મિલકતોની જાળવણીમાં સક્રિય છે અને વારસોને વધુ મજબૂત અને સારી સ્થિતિમાં તેની સોંપણી કરવા માગે છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સની ૨૩ કાઉન્ટીમાં ડચીની પ્રોપર્ટી છે અને તાજેતરમાં જ મિલ્ટન કિન્સમાં ૩૫ મિલિયન પાઉન્ડનું એક કોમર્શિયલ હાઉસ અને કોર્નવોલમાં પોર્ટ ઈલિયટ એસ્ટેટ ખરીદી છે. એસેટ્સમાં ૮૧,૦૦૦ એકરની ૩૬૫ મિલિયન પાઉન્ડની કિંમતની એગ્રીકલ્ચર જમીન અને ૧૮ મિલિયન પાઉન્ડના ૫,૭૦૦ એકરમાં ફેલાયેલાં વનપ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાઉન્ડબરીમાં ૬૭,૪૬૦ એકર જમીન અને આઈલ્સ ઓફ સ્કિલીમાં ફ્લાવર ફાર્મ્સ પણ ડચીની મિલકતોમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter