પ્રિન્સ ચાર્લ્સ ફર્લો કર્મચારીઓનું સંપૂર્ણ વેતન જાતે જ ચૂકવશે

Thursday 30th April 2020 01:30 EDT
 
 

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સે તેમના માટે કામ કરતા પૂર્વ વોલેટ માઈકલ ફોસેટ સહિત ૨૦૦ જેટલા કર્મચારીને કોરોના વાઈરસ કટોકટી સંદર્ભે ફર્લો પર ઉતાર્યા છે. જોકે, વિક્ટોરિયા બેકહામથી વિપરીત પ્રિન્સ આ કર્મચારીઓનો વેતન ખર્ચ જાતે જ ભોગવશે. પ્રિન્સ ચાર્લ્સના પગલાંથી કરદાતાઓએ એક પેની ચૂકવવી નહિ પડે કારણકે તેઓ અસરગ્રસ્ત સ્ટાફને વેતન ચૂકવવા પોતાની ચેરિટીઝના અનામત ભંડોળનો ઉપયોગ કરશે.

પ્રિન્સ ચાર્લ્સ તેમના ફર્લો પર મૂકાયેલા આશરે ૨૦૦ કર્મચારીના વેતન માટે સરકારી યોજનાનો લાભ મેળવવાના નથી પરંતુ, પોતાની ચેરિટીના અનામત ભંડોળમાંથી વેતન ચૂકવશે. સરકારી યોજના ૮૦ ટકા વેતન ચૂકવાય ચે પરંતુ, પ્રિન્સના કર્મચારીઓ ૧૦૦ ટકા વેતન મેળવશે. બીજી તરફ, તેમના પૂર્વ વોલેટ અને ધ પ્રિન્સ ફાઉન્ડેશનનો વહીવટ કરતા માઈકલ ફોસેટે પણ તેમના છ આંકડાના પગારમાંથી નોંધપાત્ર કાપ સ્વીકાર્યો છે, અન્ય સીનિયર કર્મચારીઓ પણ સ્વૈચ્છિક પગારકાપમાં જોડાયા છે. કર્મચારીઓનો વાર્ષિક વેતનખર્ચ આશરે ૪.૫ મિલિયન પાઉન્ડ જેટલો થાય છે.

પ્રિન્સની એસ્ટેટમાં જોવાંલાયક સ્થળો હાલ બંધ હોવાથી તેમના ૧૯૭ કર્મચારીને ફર્લો પર ઉતારાયા છે, જેમાં આયર્શાયરના ડમ્ફ્રીસ હાઉસનું હેટક્વાર્ટર્સ, કેઈથનેશમાં  દિવંગત ક્વીન મધરના ખાનગી નિવાસ કેસલ ઓફ મે તેમજ બાલ્મોરલ નજીક બાલાટેર ઓન ડીસાઈડ ખાતે રેસ્ટોરાનાં કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ધ પ્રિન્સ‘સ ફાઉન્ડેશન ફોર બિલ્ડિંગ કોમ્યુનિટી, ધ પ્રિન્સ‘સ રિજનરેશન ટ્રસ્ટ, ધ ગ્રેટ સ્ટુઆર્ડ ઓફ સ્કોટલેન્ડ્સ ડમ્ફ્રીસ હાઉસ ટ્રસ્ટ, અને ધ પ્રિન્સ‘સ સ્કૂલ ઓફ ટ્રેડિશનલ આર્ટ્સને વિલિન કરી ૨૦૧૮માં ધ પ્રિન્સ‘સ ફાઉન્ડેશનની રચના કરી હતી. તેને વિઝિટર્સ, ઈવેન્ટ્સ, ફીઝ, પાર્ટનરશિપ્સ તેમજ અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિઓમાંથી આવક મળે છે જે, ૨૦૧૮-૧૯માં ૧૬.૬ મિલિયન પાઉન્ડ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter