લંડનઃ બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબો સમય યુવરાજપદે રહેલા પ્રિન્સ ચાર્લ્સ ૧૪ નવેમ્બરે તેમનો ૭૧મો જન્મદિવસ ભારતમાં ઉજવશે. પ્રિન્સ ચાર્લ્સની ક્લેરેન્સ હાઉસ ઓફિસે જણાવ્યું છે કે પ્રિન્સ ચાર્લ્સ ભારત-યુકે સંબંધોની ઊજવણી માટે ૧૩ અને ૧૪ નવેમ્બર, એમ બે દિવસ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. શાહી તાજના ૭૦ વર્ષના પ્રિન્સની મુલાકાતમાં ક્લાઈમેટ ચેન્જ, સસ્ટેનેબલ માર્કેટ્સ અને સોશિયલ ફાઈનાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
પ્રિન્સ ચાર્લ્સની આ ૧૦મી સત્તાવાર ભારત મુલાકાત છે અને બે વર્ષમાં બીજી મુલાકાત બની રહેશે. તેઓ ૧૩ નવેમ્બર બુધવારે નવી દિલ્હી આવી પહોંચશે. તેમના પત્ની કેમિલા, ડચેસ ઓફ કોર્નવોલ આ મુલાકાતમાં તેમની સાથે જોડાવાનાં નથી પરંતુ, શાહી દંપતીના ઓટમ કેલેન્ડર મુજબ કોમનવેલ્થ રાષ્ટ્ર ન્યૂ ઝીલેન્ડની મુલાકાતમાં તેમની સાથે જોડાશે. યુકે ફોરેન ઓફિસની વિનંતીના આધારે યોજાયેલી ભારત મુલાકાતની વધુ વિગતો યોગ્ય સમયે જાહેર કરાશે તેમ પણ ક્લેરેન્સ હાઉસે જણાવ્યું છે. પ્રિન્સ ચાર્લ્સે પત્ની કેમિલા, ડચેસ ઓફ કોર્નવોલ સાથે નવેમ્બર ૨૦૧૭માં બ્રુનેઈ, ભારત, સિંગાપોર અને મલેશિયાની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે ચાર્લ્સના મોટા પુત્ર પ્રિન્સ વિલિયમ અને તેમના પત્ની કેટ મિડલટન, ડચેસ ઓફ કેમ્બ્રિજે ૧૪થી ૧૮ ઓક્ટોબર દરમિયાન ભારતના પડોશી દેશ પાકિસ્તાનની પાંચ દિવસની મુલાકાત લીધી હતી. બ્રિટિશ શાહી પરિવારના સભ્ય દ્વારા ૧૩ વર્ષે પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત હતી.


