લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના ઐતિહાસિક રાજ્યારોહણને ૭૦ વર્ષ થયાના સંદર્ભે પુત્રવધુ કેમિલા, ડચેસ ઓફ કોર્નવોલને અનોખી ભેટ આપી છે. તેમણે શનિવાર પાંચ ફેબ્રુઆરીએ એક નિવેદનમાં જાહેર કર્યું છે કે પ્રિન્સ ચાર્લ્સ તેમનો વારસો સંભાળવા બ્રિટિશ ગાદી પર કિંગ તરીકે સ્થાન લે ત્યારે કેમિલાને ‘ક્વીન કોન્સોર્ટ’ તરીકે ઓળખાવામાં આવે તેવી તેમની ઈચ્છા છે. ચાર્લ્સની કિંગ તરીકે તાજપોશી સમયે કેમિલાને પહેરવા માટે ક્વીન મધરનો ૧૯૩૭નો અતિ મૂલ્યવાન ક્રાઉન આપવામાં આવશે. પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાએ ક્વીનની આ શુભચેષ્ટા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
પ્રિન્સ ચાર્લ્સ રાજગાદી પર બેસે ત્યારે તેમની પત્ની ડચેસ ઓફ કોર્નવોલ-કેમિલા ક્વીન કોન્સોર્ટ બને તેવી ઈચ્છા ક્વીને રાજ્યારોહણની ૭૦મી સીમાચિહ્ન વર્ષગાંઠે એક નિવેદનમાં વ્યક્ત કરી છે. ક્વીને નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ હું જાણું છું કે સમયાંતરે મારો પુત્ર રાજા બને ત્યારે તમે તેને અને તેની પત્ની કેમિલાને મને આપ્યું છે તેવું સમર્થન આપશો.’ ઉલ્લેખનીય છે કે પ્રિન્સ ચાર્લ્સે વર્ષો પહેલા પોતાની તાજપોશી સમયે લેવાતા સોગંદમાં ડચેસ ઓફ કોર્નવોલનો ઉલ્લેખ ‘ક્વીન કેમિલા’ તરીકે કરવાની પરવાનગી ક્વીન પાસે મેળવી લીધી હતી. હવે ક્વીને તેને જાહેરમાં બહાલી આપી છે. પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાએ ક્વીનની આ ઈચ્છાથી તેઓ સન્માનિત થયા હોવાનું જણાવી તેમની શુભચેષ્ટા બદલ આભારની લાગણી દર્શાવી છે.
બકિંગહામ પેલેસે ક્વીન એલિઝાબેથની તાજપોશીને ૭૦ વર્ષ થવા નિમિત્તે તેમની નવી તસવીર જાહેર કરી હતી. ક્વીનના પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠાનું ૬ ફેબ્રુઆરી ૧૯૫૨ના દિવસે ૫૬ વર્ષની વયે અવસાન થતા ૨૫ વર્ષની મોટી પુત્રી એલિઝાબેથ દ્વિતીયે બ્રિટિશ ક્વીન તરીકે શાસન સંભાળી લીધું હતું.
કેમિલાના શિરે મૂકાનારા તાજમાં કોહ-ઈ-નૂર હીરો
એમ પણ જાહેર કરાયું છે કે ચાર્લ્સ કિંગ બને ત્યારે ક્વીન મધરનો અમૂલ્ય પ્લેટિનમ અને ડાયમન્ડનો તાજ કેમિલાના શિરે મૂકવામાં આવશે. ક્વીન એલિઝાબેથ પ્રથમે પહેરેલો આ તાજ ૧૯૩૭માં કિંગ જ્યોર્જ છઠ્ઠાની તાજપોશી માટે તૈયાર કરાયો હતો. આ તાજની પ્લેટિનમ ફ્રેમમાં ૨,૮૦૦ હીરા જડાયેલા છે અનેતેના કેન્દ્રમાં વિશ્વમાં સૌથી મોટા અને સુંદર હીરાઓમાં સ્થાન ધરાવતા ભારતીય ખજાનાનો અમૂલ્ય કોહ-ઈ-નૂર હીરો મૂકાયેલો છે.૧૦૫.૬ કેરેટનો કોહ-ઈ-નૂર (કોહીનૂર) હીરો ૧૯મી સદીની મધ્યમાં ક્વીન વિક્ટોરિયાને ભેટ તરીકે બ્રિટિશ ખજાનામાં આવ્યો હતો. જોકે, ભારતમાં તેની ચોરી કરાઈ હોવાની માન્યતા છે અને બ્રિટન તેને પરત કરે તેવી માગણી કરાયેલી છે.


