પ્રિન્સ ચાર્લ્સની સાઉથ એશિયા માટે કોવિડ-૧૯ સંદર્ભે અપીલ

Saturday 02nd May 2020 00:55 EDT
 
 

લંડનઃ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના શાહી સ્થાપક પેટ્રન પ્રિન્સ ચાર્લ્સે ખાસ રેકોર્ડેડ વીડિઓ મેસેજ મારફત ટ્રસ્ટની કોવિડ-૧૯ ઈમર્જન્સી અપીલને સમર્થન જાહેર કર્યું છે. સાઉથ એશિયામાં વિશ્વના સૌથી ગરીબોમાં ૨૭ ટકા ગરીબ વસે છે અને હાલ કોવિડ-૧૯ મહામારીના કારણે કરોડો નિરાધાર અને અશક્ત પરિવારો જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા હોવાની સ્થિતિમાં છે. બ્રિટિશ એશિયન કોમ્યુનિટી ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય મહત્ત્વના વર્કર્સ સાથે યુકે- NHSમાં પડકારના સામનામાં મોખરે રહેલ છે. હવે તેઓ સાઉથ એશિયામાં પોતાના મિત્રો અને પરિવારો સાથે એકસંપ થઈને ઉભાં છે અને આ પરિવારોને તેમનું અસ્તિત્વ જાળવવા માટે આવશ્યક ખોરાક, દવાઓ તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે આગળ આવ્યા છે.

સાઉથ એશિયામાં ૭૫૦ મિલિયન લોકો દૈનિક ૨.૫૦ ડોલરથી ઓછી રકમમાં જીવન ગુજારે છે. ભારતમાં કોરોના વાઈરસ લોકડાઉનના કારણે શહેરોમાંથી ગામો તરફ મોટા પાયે હિજરત જોવા મળી છે. પાકિસ્તાનની હેલ્થકેર સિસ્ટમ ભારે બોજા હેઠળ ભાંગી પડવાના આરે છે અને બાંગલાદેશમાં ગીચ વસ્તીના શહેરી વિસ્તારો અને નિર્વાસિત છાવણીઓ કોરોના વાઈરસના પ્રસાર માટે હોટસ્પોટ સમાન છે. શ્રી લંકામાં પણ પરિસ્થિતિ ખરાબ જ છે.

બિર્કહોલ ખાતે રેકોર્ડ કરાયેલા સંદેશામાં પ્રિન્સ ઓફ વેલ્સે જણાવ્યું છે કે,‘૪૦૦ મિલિયનથી વધુ રોજમદારોએ કોઈ પણ આવક અને બચત વિના તેમનો નિભાવ અદૃશ્ય થતો નિહાળ્યો છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટની કોવિડ-૧૯ ઈમર્જન્સી અપીલ ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રી લંકામાં રહેતા સૌથી જરૂરિયાતમંદોને સમર્થન જાહેર જાહેર કરે છે. તમારી ઉદારતાના સહકારથી બ્રિટિશ એશિયન ટ્રસ્ટ આ કપરાં સંજોગોમાં જેઓને કોઈ મદદ મળતી નથી તેમને મદદ કરશે અને આશા આપશે. તમારી મદદ સાથે આપણે તફાવત લાવી શકીશું.’

બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેરમેન મનોજ બડાલેએ જણાવ્યું હતું કે, આ મહામારીથી અસરગ્રસ્ત કરોડો લોકોને મદદ કરી શકાય તે માટે બ્રિટિશ એશિયન ડાયસ્પોરાનો સહકાર માગીએ છીએ. ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રી લંકાના ગરીબોને મદદની સૌથી વધુ જરૂર છે.

www.britishasiantrust.org મારફત દાન આપી શકાશે. ટ્રસ્ટ દ્વારા રોકડ રકમ ટ્રાન્સફર, ફૂડ પેકેટ્સ, સહિત તબીબી ઉપકરણો, ટેસ્ટિંગ કીટ્સ, હાઈજિન પ્રોડક્ટ્સ અને હેલ્પલાઈન સપોર્ટ પર ભાર મૂકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter