લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમના ભાવિ રાજવી પ્રિન્સ ઓફ વેલ્સ, ચાર્લ્સની ૭૦મી વર્ષગાંઠ ૧૪ નવેમ્બરના રોજ ઉજવાઈ હતી. બકિંગહામ પેલેસ ખાતે આયોજિત પ્રાઈવેટ ફેમિલી પાર્ટીમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે વહાલસોયા પુત્રને આ રીતે જાહેરમાં સન્માનવાને પોતાનો વિશેષાધિકાર હોવાનું ગણાવ્યું હતું. તેમણે પ્રિન્સ ઓફ વેલ્સને બ્રિટિશ ગાદીના સમર્પિત અને આદરપાત્ર વારસદાર તેમજ અદ્ભૂત પિતા તરીકે બિરદાવ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સ માતાના શબ્દોથી ભાવવિભોર બની ગયા હતા. પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે અને આર્ચબિશપ વેલ્બી સહિત મહાનુભાવો તેમજ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પ્રિન્સ ચાર્લ્સને જન્મદિનના અભિનંદન પાઠવાયા હતા.
પ્રિન્સ ચાર્લ્સની વર્ષગાંઠ ઉજવણીમાં ૯૫ વર્ષીય પિતા પ્રિન્સ ફિલિપ, પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા, પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી તેમજ પુત્રવધુઓ ડચેસ ઓફ કેમ્બ્રિજ કેથેરાઈન અને ડચેસ ઓફ સસેક્સ મેગનસહિતનો પરિવાર પણ ઉપસ્થિત હતો. ક્વીને બ્લેક ટાઈ ડિનરમાં સંબોધન કરતાં કહ્યું હતું કે પુત્રની ૭૦મી વર્ષગાંઠમાં ટોસ્ટ આપી શકાય તે કોઈ પણ માતા માટે વિશેષાધિકાર ગણાય. તમારા બાળકને વૃદ્ધિ પામતો જોવાં તમે લાંબુ જીવ્યાં છો તેની આ નિશાની છે. નોર્વેના કિંગ હેરલ્ડ અને ક્વીન સોન્યા, ક્રાઉન પ્રિન્સ હાક્કોન અને ક્રાઉન પ્રિન્સેસ મેટી-મારિટ, પ્રિન્સેસ યુજિન અને તેના પતિ જેમ્સ બ્રૂક્સબેન્ક, ક્વીનની સૌથી મોટી ગ્રાન્ડડોટર ઝારા ફિલિપ્સ અને તેના પતિ માઈક ટિન્ડાલ, ડ્યૂક ઓફ ગ્લોસ્ટર પ્રિન્સ રિચાર્ડ અને ડચેસ ઓફ ગ્લોસ્ટર બ્રિજિટ, ધ અર્લ ઓફ સ્નોડોન, ગ્રાન્ડ ડ્યૂક અને ડચેસ ઓફ લક્સમબર્ગ, લેડી હેલન ટેલર અને સાન્ટા મોન્ટેફીઓર સહિતના રાજવી મહાનુભાવો પ્રિન્સ ચાર્લ્સ માટેની પાર્ટીમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાએ પ્રિન્સના ૭૦મા જન્મદિનના આરંભે લંડનના સ્પેન્સર હાઉસમાં અન્ય લોકો સાથે મુલાકાતો કરી હતી. એજ યુકે દ્વારા મહેમાનોને નોમિનેટ કરવામાં આવ્યા હતા અને પ્રિન્સના ટ્રસ્ટના પેટ્રન્સ તેમજ વોલન્ટીઅર્સ પણ હાજર હતા, જ્યાં તેમને ૭૦મી વર્ષગાંઠનું બલૂન અને ઝગમગતી બેગ આપવામાં આવી હતી.
પ્રિન્સ ઓફ વેલ્સની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે સેન્ટ્રલ લંડનના ગ્રીન પાર્ક ખાતે ધ કિંગ્સ ટ્રૂપ રોયલ હોર્સ આર્ટિલરી દ્વારા ૪૧ તોપની સલામી અપાઈ હતી. આ ઉપરાંત, બપોરના એક કલાકે ટાવર ઓફ લંડન ખાતે ૬૨ તોપની રોયલ સેલ્યુટ અને કાર્ડિફ કેસલ ખાતે ૨૧ તોપની સલામી અપાઈ હતી.
પ્રિન્સ ઓફ વેલ્સ ૪૨૦થી વધુ ચેરિટીઝના પેટ્રન અથવા પ્રેસિડેન્ટ છે. તેમની યુથ ચેરિટી પ્રિન્સ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી ૮૭૫,૦૦૦ અક્ષમ યુવાનોને રોજગારી અથવા બિઝનેસમાં મદદ કરવામાં આવી છે. તેમની ચેરિટીઝ દ્વારા દર વર્ષ ૧૪૦ મિલિયન પાઉન્ડ એકત્ર કરવામાં આવે છે. તેઓ પૈતૃક સંપત્તિ ધ ડચી ઓફ કોર્નવોલમાંથી દર વર્ષે ૨૧.૭ મિલિયન પાઉન્ડની આવક મેળવે છે.


