પ્રિન્સ ચાર્લ્સે કતારના પૂર્વ વડા પ્રધાન પાસેથી ચલણી નોટ્સ ભરેલી બેગ લીધાનો વિવાદ

Wednesday 29th June 2022 02:41 EDT
 
 

લંડનઃ યુકેની રાજગાદીના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ નવા વિવાદના ઘેરામાં આવ્યા છે. કતારના પૂર્વ વડા પ્રધાન અને વિવાદિત બિલિયોનેર શેખ હમાદ બિન જાસિમ બિન જાબેર અલ-થાનીએ ચલણી નોટ્સ ભરેલી સૂટકેસ પ્રિન્સ વેલ્સને પહોંચાડી હોવાના અહેવાલો બહાર આવતા સનસનાટી મચી ગઈ છે. વિવાદિત બિલિયોનેર રાજકારણી પાસેથી રોકડ ભરેલી સૂટકેસ સ્વીકારવા બદલ પ્રિન્સ ચાર્લ્સ સામે ચેરિટી કમિશન દ્વારા તપાસની શક્યતા ઉભી થઈ છે.

આ સૂટકેસમાં બંધ થઈ ગયેલી 500 યુરોની નોટ્સ હતી જેનું મૂલ્ય 1 મિલિયન યુરો જેટલું હતું. રિપોર્ટ્સ અનુસાર પ્રિન્સ ઓફ વેલ્સને 2011થી 2015ના ગાળામાં 3 મિલિયન યુરો (2.6 મિલિયન પાઉન્ડ) મળ્યા હતા જેનો આ ત્રીજો હિસ્સો હતો. ક્લેરેન્સ હાઉસે ખુલાસો કર્યો હતો કે આ નાણા પ્રિન્સની ચેરિટીને આપી દેવાયા હતા.

ધ સન્ડે ટાઈમ્સના રિપોર્ટ મુજબ કતારના વિવાદિત રાજનેતાએ 2015માં આમનેસામને પ્રાઈવેટ બેઠકમાં પ્રિન્સ ચાર્લ્સને તેમના લંડનસ્થિત નિવાસ ક્લેરેન્સ હાઉસ ખાતે એક મિલિયન યુરો સાથેની સૂટકેસ સુપરત કરી હતી. શાહી પરિવારના બે સલાહકારોએ આ નોટોની ગણતરી કરી હોવાનું કહેવાય છે. આ રોકડ રકમ બંધ કરી દેવાયેલી 500 યુરોની નોટ્સમાં હતી. શેખ સાથેની આ મુલાકાતનો પ્રિન્સ ચાર્લ્સની સત્તાવાર કાર્યસૂચિમાં સમાવેશ થયો ન હતો.

આ રકમ પ્રિન્સ ઓફ વેલ્સના ચેરિટેબલ ફંડમાં જમા કરવામાં આવી હતી. આ લો પ્રોફાઈલ સંસ્થા સ્કોટલેન્ડમાં પ્રિન્સના પસંદગીના પ્રોજેક્ટ્સ અને દેશમાં તેની સંપત્તિ પર કન્ટ્રોલ રાખે છે. રોયલ ગિફ્ટ પોલિસી મુજબ શાહી પરિવારનો કોઈ સભ્ય ગિફ્ટ સ્વરુપે નાણાનો સ્વીકાર કરી શકતા નથી. તેઓ કોઈ ચેરિટીના પેટ્રન તરીકે અથવા તેના વતી ચેક સ્વીકાર કરી શકે છે. જોકે, અપાયેલી રકમ ગેરકાયદે હોવાના કોઈ પુરાવા નથી.

કતારના 62 વર્ષીય પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર શેખ હમાદ બિન જાસિમ બિન જાબેર અલ-થાની 1.2 બિલિયન ડોલરની અંગત નેટ સંપત્તિ ધરાવે છે અને કતારના સૌથી ધનવાનોમાં એક છે. તેમણે લંડનમાં અનેક સંપત્તિ ખરીદવા ઉપરાંત, કોર્પોરેટ બ્રિટનમાં સંખ્યાબંધ ઈન્વેસ્ટમેન્ટ્સ પણ કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter