પ્રિન્સ ચાર્લ્સે કુખ્યાત આતંકવાદી ઓસામા લાદેનના ભાઈઓ પાસેથી જંગી દાન લીધું

પ્રિન્સ ઓફ વેલ્સ વધુ એક દાનવિવાદમાં ફસાયાઃ ચેરિટી કમિશને આ દાનની તપાસ કરવાનું નકાર્યું

Wednesday 03rd August 2022 02:59 EDT
 
 

લંડનઃ બ્રિટિશ તાજના ઉત્તરાધિકારી પ્રિન્સ ચાર્લ્સ કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી જંગી દાન લેવાના વિવાદમાં ફસાયા છે. ધ સન્ડે ટાઇમ્સના અહેવાલ અનુસાર પ્રિન્સ ઓફ વેલ્સે પોતાના ટ્રસ્ટ માટે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2011ના રોજ આતંકી હુમલો કરાવનારા અલ-કાયદા ત્રાસવાદી સંગઠનના સ્થાપક ઓસામા બિન લાદેનના પરિવારના સભ્યો પાસેથી 1.28 મિલિયન ડોલર (આશરે 1 મિલિયન પાઉન્ડ)નું ડોનેશન લીધું હતું. જોકે, ચેરિટી કમિશને આ દાનની તપાસ કરવાનું નકાર્યું છે.

અમેરિકાના સ્પેશિયલ ફોર્સીસના હાથેપાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને ખતમ કરાયાના બે વર્ષ પછી 73 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સની મુલાકાત ઓસામાના સાવકા ભાઈઓ અને સાઉદી બિલિયોનેર પરિવારના બકર બિન લાદેન અને શફિક પાસેથી 30 ઓક્ટોબર 2013ના દિવસે ક્લેરેન્સ હાઉસમાં જ થઈ હતી. આ મુલાકાતના પગલે પ્રિન્સ ઓફ વેલ્સ ચેરિટેબલ ફાઉન્ડેશન (PWCF) ને આશરે 1 મિલિયન પાઉન્ડનું ડોનેશન અપાયું હતું.

જો આ સાબિત થશે તો શાહી પરિવાર માટે ખૂબજ શરમજનક ઘટના બની રહેશે. જોકે, શાહી પરિવારે આ સમગ્ર વાતને નકારી કાઢી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ, શાહી સૂત્રોએ જણાવ્યું હતું કે ક્લેરેન્સ હાઉસ અને ફાઉન્ડેશનના સલાહકારોએ ઈતિહાસમાં સૌથી મોટા ત્રાસવાદી હુમલાના કાવતરાખોર ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી આ ડોનેશન નહિ લેવા પ્રિન્સને સમજાવ્યા હતા પરંતુ, પ્રિન્સે તેમની અવગણના કરી ડોનેશન સ્વીકાર્યું હતું.

પ્રિન્સ આ પહેલા પણ કતાર દેશના વિવાદિત પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર હમાદ બિન જાસિમ બિન જાબેર અલી થાની (HBJ) પાસેથી 1 મિલિયન યૂરો સાથેની સૂટકેસ લેતા વિવાદમાં આવ્યા હતા. આ નાણા પણ તેમણે કલેરેન્સ હાઉસમાં રૂબરુ મીટિંગ દરમિયાન લીધા હોવાનો દાવો અહેવાલમાં કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter