લંડનઃ ધ ડ્યુક ઓફ એડનબરા, પ્રિન્સ ફિલિપ ૯૪ વર્ષની વયે પણ રોયલ ફેમિલીમાં સૌથી સ્ટાઈલિશ વ્યક્તિ છે. GQ મેગેઝિનના વાર્ષિક ‘બોસ્ટ ડ્રેસ્ડ મેન લિસ્ટ’માં ધ ડ્યુક ૧૨મા ક્રમે છે, જ્યારે તેમનો પૌત્ર પ્રિન્સ હેરી ૩૮મા ક્રમે છે. યાદીમાં ઓસ્કારવિજેતા અભિનેતા એડી રેડમાયને સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે છે. ગત વર્ષે વર્ષે સાતમા ક્રમે રહેલા પ્રિન્સ વિલિયમ તેમજ એક વર્ષની વયે યાદીમાં સમાવિષ્ટ પ્રિન્સ જ્યોર્જ આ વર્ષે ટોપ-૫૦ની યાદીમાં પણ નથી.
ધ ડ્યુક ઓફ એડનબરા સૌપહેલા ૨૦૦૮માં અને છેલ્લે બે વર્ષ અગાઉ ૨૬મા ક્રમ સાથે લિસ્ટમાં દેખાયા હતા. કરકસર માટે પ્રખ્યાત પ્રિન્સ ફિલિપ દાયકાઓ જૂના માનીતા પોશાકો સમારકામ કરાવી ઉપયોગમાં લે છે. ૨૦૦૮ના અહેવાલમાં જણાવાયું હતું કે તેમણે પોતાના દરજીને ૧૯૫૭ના માનીતા બેગીઝની જોડીને આધિનિક દેખાવ આપવાની સૂચના આપી હતી.
શાહી પરિવારના લગભગ તમામ પુરુષ સભ્ય શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન કરનારાની યાદીમાં આવ્યા છે, પરંતુ ડ્યુક ઓફ કેમ્બ્રિજ, પ્રિન્સ વિલિયમને ૨૦૦૮માં સૌથી ખરાબ વસ્ત્ર પરિધાન કરનારાની યાદીમાં સ્થાન મળ્યું હતું. આ પછી, તેઓ બે વખત શ્રેષ્ઠ વસ્ત્ર ધારણકર્તાની યાદીમાં આવ્યા છે. આ વર્ષે ખરાબ વસ્ત્ર ધારણકર્તાની યાદીમાં ધ ગ્રેટ બ્રિટિશ બેક ઓફના પોલ હોલીવૂડ પ્રથમ ક્રમે અને ટોપ ગીઅરના હોસ્ટ ક્રિસ ઈવાન્સ ૧૦મા ક્રમે છે. શ્રેષ્ઠ અને ખરાબ વસ્ત્રની યાદી માટે GQનો સ્ટાફ તેમજ ફેશન ડિઝાઈનર્સ અને મોડેલ્સ સહિતના નિષ્ણાતો મત આપે છે.


