લંડનઃ હૃદયસમ્રાટ પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાને અંગત સ્વજનોની ઉપસ્થિતિમાં વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે આખરી વિદાય અપાઇ હતી. પરિવાર અને મિત્રોએ ૧૭ એપ્રિલે બપોરે ૩.૦૦ કલાકે એક મિનિટના મૌન સાથે ફ્યુનરલ સર્વિસમાં હાજરી આપી હતી. કોવિડ નિયંત્રણોના કારણે તદ્દન એકલાં બેઠેલા ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના જીવનના ૭૩ વર્ષના સાથી-સંગાથીની યાદ દિલમાં ઢબૂરીને પ્રિન્સને વિદાય આપી હતી. ક્વીને ચર્ચમાં જીવનસાથીના આત્મા માટે પ્રાર્થના કરી હતી. એકલા પડી ગયાનો વસવસો તેમની આંખોમાં સ્પષ્ટ તરી આવતો હતો. જોકે ડ્યૂક ઓફ એડિનબરાની વિદાયથી પરિવાર પર આવી પડેલી આપતિની આ પળે બે ભાઇઓ - વિલિયમ અને હેરી વચ્ચેનું અંતર ઘટાડવાનું કામ કર્યું છે.
બન્ને ભાઇઓ દાદાના ફ્યુનરલ પ્રોસેશનમાં જોડાયા ત્યારે તેમની બોડી લેંગ્વેજમાં જોવા મળેલું અંતર ચેપલમાંથી વિન્ડસર કેસલ પરત ફરતી વેળા દૂર થયેલું જણાતું હતું. આથી સહુ કોઇના મનમાં રાજવી પરિવાર ફરી એક તાંતણે બંધાશે તેવી આશા જન્મી છે.
શનિવારે ફ્યુનરલ પ્રોસેશનમાં પ્રિન્સ ફિલિપના કોફીનની પાછળ તેમના બે સંતાન - પ્રિન્સ ચાર્લ્સ (૭૨) અને પ્રિન્સેસ રોયલ એન (૭૦) રહ્યાં હતાં. તેમની પાછળ ડ્યૂક ઓફ યોર્ક (૬૧) અને અર્લ ઓફ વેસેક્સ (૫૭) હતા. આમની પાછળ, ત્રણ ગ્રાન્ડ સન પ્રિન્સ વિલિયમ (૩૮), પીટર ફીલિપ્સ (૪૩) અને પ્રિન્સ હેરી (૩૬) હતા. આ ત્રણ ગ્રાન્ડ સનની પાછળ વાઈસ એડમિરલ સર ટિમ લોરેન્સ અને અર્લ ઓફ સ્નોડેન જોડાયા હતા.
ક્વીને તેમના પતિના ફ્યુનરલમાં કેટલા અને કોણ આમંત્રિતો રહેશે તેનો પણ નિર્ણય કરવો પડ્યો હતો. કોવિડ નિયંત્રણોના કારણે ૩૦ સભ્યોની હાજરીની મર્યાદા પાળવી આવશ્યક હતી. ફ્યુનરલમાં ક્વીન, ચાર સંતાનો, આઠ ગ્રાન્ડચિલ્ડ્રન તેમજ પરિવારના અન્ય નિકટતમ સભ્યો અને મિત્રોનો સમાવેશ કરાયો હતો. જોકે, પ્રિન્સ ફિલિપે પોતાના અવસાન અગાઉ જ બધુ આયોજન કરી રાખ્યું હતું.
પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથના ચાર સંતાન-પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એન, પ્રિન્સ એન્ડ્રયુ અને પ્રિન્સ એડવર્ડ, ચાર્લ્સના પત્ની કેમિલા –ડચેસ ઓફ કોર્નવોલ, એનના પતિ ટિમોથી લોરેન્સ, અને એડવર્ડની પત્ની સોફી- કાઉન્ટેસ ઓફ વેસેક્સ ફ્યુનરલમાં ઉપસ્થિત હતાં. આ ઉપરાંત, ડ્યૂક ઓફ એડિનબરાના આઠ ગ્રાન્ડચિલ્ડ્રન – પીટર ફિલિપ્સ, ઝારા ટિન્ડાલ, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ હેરી, પ્રિન્સેસ બીટ્રીસ, પ્રિન્સેસ યુજિન, લેડી લૂઈસ અને જેમ્સ-વાઈકાઉન્ટ સેવેર્ન પણ હાજર હતા. પ્રિન્સ હેરીની સગર્ભા પત્ની મેગન મર્કેલ હાલ અમેરિકા છે.
આ સિવાય, પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટન, ઝારા ટિન્ડાલના પતિ માઈક ટિન્ડાલ, પ્રિન્સેસ બીટ્રીસના પતિ જેક બ્રૂક્સબેન્ક અને પ્રિન્સેસ યુજિનના પતિ એડુઆર્ડો માપેલી મોઝી પણ હાજર હતાં. ક્વીન તરફથી પરિવારના અન્ય સભ્યોમાં પ્રિન્સેસ માર્ગારેટની પુત્રી લેડી સારાહ અને તેમના પતિ ડેનિયલ ચાટો, પ્રિન્સ રિચાર્ડ ઓફ ગ્લોસ્ટર, પ્રિન્સ માઈકલ ઓપ કેન્ટ અને પ્રિન્સેસ એલેકઝાન્ડ્રા હતા જ્યારે, પ્રિન્સ ફિલિપના કેટલાક જર્મન સગાંમાં પ્રિન્સ બર્નહાર્ડ હેરીડિટરી પ્રિન્સ ઓફ બાડેન, બે ગ્રેટ નેવ્યૂઝ – પ્રિન્સ ડોનાટુસ, લેન્ડગ્રેવ ઓફ હેસ અને પ્રિન્સ ફિલિપ ઓફ હોહેનલોહે- લેન્જેનબર્ગ તેમજ પેનેલોપ નેચબુલ, કાઉન્ટેસ માઉન્ટબેટન ઓફ બર્માએ હાજરી આપી હતી.