લંડન
ડયુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપનું વસિયતનામુ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુપ્ત રહે તે માટે મીડિયાને સુનાવણીથી બાકત રાખવાના નિર્ણયને ગાર્ડિયન અખબારે પડકાર આપ્યો છે. પ્રિન્સ ફિલિપનું 9 એપ્રિલ 2021ના રોજ 99 વર્ષની ઊંમરે નિધન થયું હતું. તેઓ બ્રિટનમાં મહારાણીના સૌથી લાંબો સમય રહેનારા જીવનસાથી હતા. છેલ્લા 100 વર્ષ કરતાં વધુ સમયથી પરંપરા ચાલતી આવી છે કે રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યના નિધન બાદ તેમના વસિયતનામાને સીલ કરવાની અરજી હાઇકોર્ટના ફેમિલી ડિવિઝનના વડા સમક્ષ કરવાની રહે છે. તેનો અર્થ એ થયો કે રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યના વસિયતનામા જાહેર જનતાને જોવા-જાણવાની પરવાનગી નથી. ફેમિલી ડિવિઝનના હાલના વડા સર એન્ડ્રુ મેકફારલેને 2021ના જુલાઇમાં બંધ બારણે હાથ ધરાયેલી સુનાવણીમાં પ્રિન્સ ફિલિપની સંપત્તિઓ માટેના વકીલો અને આ પ્રકારના મામલાઓમાં જાહેર જનતા વતી રજૂઆત કરનારા એટર્ની જનરલની દલીલો સાંભળી હતી. હવે બંધ બારણે યોજાતી આ સુનાવણીને ગાર્ડિયન અખબારે પડકાર આપ્યો છે. અખબારની દલીલ છે કે આ રીતે બંધ બારણે સુનાવણી કરવી અયોગ્ય અને અન્યાયી છે. અદાલતોની સુનાવણી સામાન્ય રીતે મુક્ત ન્યાયના સિદ્ધાંતના આધારે જાહેરમાં યોજાતી હોય છે. અસામાન્ય કારણો અને સ્થિતિ હોય તો જ જાહેર જનતાના પ્રતિનિધિઓ અને મીડિયાને તેમાંથી બાકાત રખાય છે. 2022ના પ્રારંભે દાખલ કરેલી અરજીમાં અખબારે દલીલ કરી હતી કે મીડિયાને સુનાવણીમાંથી બાકાત રાખીને હાઇકોર્ટના ન્યાયાધીશે કાયદાકિય ભૂલ કરી છે.


