પ્રિન્સ ફિલિપની તબિયત સારી છે

Wednesday 24th February 2021 05:05 EST
 
 

લંડનઃ ડ્યૂક ઓફ એડિનબરા, પ્રિન્સ ફિલિપને મંગળવાર, ૧૬ ફેબ્રુઆરીએ લંડનની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયત સારી હોવાનું તેમના પૌત્ર પ્રિન્સ વિલિયમે જણાવ્યું હતું. ૯૯ વર્ષના પ્રિન્સ ફિલિપને અસ્વસ્થતા જણાતા શાહી પરિવારના ડોક્ટરની સલાહથી સાવચેતી અને આરામ માટે તત્કાલ કિંગ એડવર્ડ હોસ્પિટલ VIIમાં દાખલ કરાયા હોવાનું બકિંગહામ પેલેસે જણાવ્યું હતું. તેમને કોવિડ સંબંધિત કોઈ બીમારી નહિ હોવાની સ્પષ્ટતા પણ કરાઈ હતી. 

પ્રિન્સ વિલિયમે તેમના દાદા પ્રિન્સ ફિલિપના આરોગ્યની પૃચ્છાનો ઉત્તર આપતા કહ્યું હતું કે તેઓ મઝામાં છે અને ડોક્ટર્સ તેમના પર નજર રાખી રહ્યા છે. પ્રિન્સ ફિલિપ કોવિડ લોકડાઉન પછી નવેમ્બરથી પત્ની ક્વીન એલિઝાબેથ દ્વિતીયની સાથે વિન્ડસર કેસલમાં રહે છે. ડ્યૂક ઓફ એડિનબરા હજુ એક સપ્તાહ હોસ્પિટલમાં આરામ સાથે નીરિક્ષણ હેઠળ રહે તેવી શક્યતા છે. ક્વીન અને પ્રિન્સ ફિલિપને જાન્યુઆરીના આરંભે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો.

જૂન મહિનામાં ૧૦૦ વર્ષના થનારા પ્રિન્સ ફિલિપ તાજેતરના વર્ષોમાં આરોગ્યની સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે અને મોટા ભાગના કાર્યક્રમોમાં ક્વીનની સાથે ઉપસ્થિત રહેતા નથી. પ્રિન્સ ફિલિપે ૨૦૧૭થી જાહેર કાર્યક્રમોમાંથી નિવૃત્તિ લીધી છે. તેમને ડિસેમ્બર ૨૦૧૯માં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ૨૦૧૮માં હીપ રીપ્લેસમેન્ટ સર્જરી પણ કરાવી હતી. જાન્યુઆરી ૨૦૧૯માં કાર અકસ્માતના કારણે તેમણે સ્વેચ્છાએ ડ્રાઈવિંગ લાઈસન્સ પરત કરી દીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter