પ્રિન્સ ફિલિપની યાદમાં £૫ની કિંમતનો વિશેષ સિક્કો લોન્ચ

Wednesday 30th June 2021 06:28 EDT
 
 

લંડનઃ રાષ્ટ્ર અને ક્વીનની દાયકાઓ સુધી સર્વિસને અંજલિ આપવાના પ્રયાસમાં રોયલ મિન્ટ દ્વારા પ્રિન્સ ફિલિપ- ડ્યૂક ઓફ એડિનબરાની યાદમાં ૫ પાઉન્ડની કિંમતનો વિશેષ સિક્કો આર્મ્ડ ફોર્સીસ ડે, ૨૬ જૂનના દિવસે જારી કરવામાં આવ્યો છે. નોંધપાત્ર બાબત તો એ છે કે આ કોઈનની ડિઝાઈન ખુદ પ્રિન્સ ફિલિપ દ્વારા મંજૂર કરાઈ હતી. પ્રિન્સ ફિલિપે ૪૭ વર્ષ સુધી રોયલ મિન્ટ એડવાઈઝરી કમિટીના પ્રેસિડેન્ટ તરીકે કામગીરી બજાવી હતી.

ચાન્સેલર રિશિ સુનાકે ડ્યૂક ઓફ એડિનબરાની યાદમાં ૫ પાઉન્ડની કિંમતનો વિશેષ સિક્કો આર્મ્ડ ફોર્સીસ ડે, ૨૬ જૂનના દિવસે લોન્ચ કર્યો હતો. ટ્રેઝરીના જણાવ્યા અનુસાર ડ્યૂકે આ વર્ષના એપ્રિલમાં તેમના મૃત્યુ પહેલા જ પોતાના મૂળ પોટ્રેઈટ પર આધારિત સિક્કાની ડિઝાઈનને મંજૂરી આપી હતી. ચાન્સેલરે જણાવ્યું હતું કે,‘ આર્મ્ડ ફોર્સીસ ડે પર આ કોઈન ડ્યૂક ઓફ એડિનબરાને યોગ્ય અંજલિ છે જેમણે નોંધપાત્ર નેવલ કેરિઅર ઉપરાંત, દેશ અને ક્વીનને દાયકાઓ સુધી અવિરત સેવા આપી હતી.’

વિશેષ કોઈન રોયલ મિન્ટની વેબસાઈટ, યુકેની પોસ્ટ ઓફિસીસ તેમજ કોમનવેલ્થ અને વિશ્વભરમાં સ્પેશિયલ સ્ટોકિસ્ટ્સ પાસેથી મેળવી શકાશે. આ ઉપરાંત, પ્રિન્સ ફિલિપના યુકે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોમ્યુનિટી કાર્યોને સપોર્ટ કરવા રોયલ મિન્ટ દ્વારા ડ્યૂક ઓફ એડિનબરાઝ એવોર્ડને ૫૦,૦૦૦ પાઉન્ડનું દાન પણ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે પ્રિન્સ ફિલિપ ૪૭ વર્ષ સુધી રોયલ મિન્ટ એડવાઈઝરી કમિટીના પ્રેસિડેન્ટ તરીકે રહ્યા હતા. આ સિક્કો કાયદેસરનું ચલણ છે પરંતુ, તેની સંખ્યા મર્યાદિત રખાઈ છે અને તેને સામાન્ય ચલણ તરીકે ફરતું કરાશે નહિ તેમ ટ્રેઝરીએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter