પ્રિન્સ વિલિયમ અને હેરી વચ્ચેના પારિવારિક સંબંધોની તિરાડ વધી

Wednesday 05th June 2019 04:09 EDT
 
 

લંડનઃ બ્રિટિશ શાહી પરિવારમાં સંબંધોની તિરાડ વધુ પહોળી થતી જાય છે. પ્રિન્સ હેરી અને મેગન તેમણે ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ વિલિયમ અને કેટ સાથે મળીને ૧૫ મહિના અગાઉ જે ચેરિટી રોયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી તેનાથી છેડો ફાડવાનું વિચારી રહ્યાં હોવાનું આંતરિક વર્તુળો જણાવી રહ્યા છે. અગાઉ, હેરી અને મેગને ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ વિલિયમ અને કેટનાં કેન્સિંગ્ટન પેલેસ હોમથી દૂર રહેવા ફ્રોગમોર હાઉસ નિવાસની પસંદગી કરી હતી.

રોયલ ફાઉન્ડેશનના શાહી સભ્યો સાથે રહેશે કે અલગ થશે તે ૧૭ જૂનની બોર્ડ મીટિંગમાં સ્પષ્ટ થઈ જશે. રોયલ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સમીક્ષા ચાલે છે અને કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીએ પોતાની ચેરિટી પ્રવૃત્તિઓ સાથે ચલાવવા ૧૦ વર્ષ અગાઉ રોયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. કેટ તેમની સાથે ૨૦૧૧માં અને મેગન ગયા વર્ષે જોડાઈ હતી.

ગત વર્ષે સ્પ્રિંગમાં ફાઉન્ડેશનના પ્રશ્નોત્તરી ફોરમમાં વિલિયમ–કેટ અને હેરી-મેગનને ‘ફેબ ફોર’નું ઉપનામ અપાયું હતું. ધ સન અખબારના અહેવાલ મુજબ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ રોયલ ફાઉન્ડેશન ચેરિટીથી અલગ થઈ પોતાની ચેરિટી યોજનાઓને આગળ ધપાવવા માગે છે. જોકે, સહાયકોનો દાવો છે કે બંને પરિવાર વ્યક્તિગત પ્રોજેક્ટ્સને ટેકો આપવાનું બંધ નહિ કરે પરંતુ, રોયલ ફાઉન્ડેશનને આ ચાર સભ્યોની સ્ટાર ક્વોલિટીનો લાભ મળવાનો હતો તે બંધ થઈ જશે. શાહી દંપતીઓ સમક્ષ ચેરિટી સંદર્ભે બે જ વિકલ્પ – સાથે રહેવા અથવા અલગ થવાના હતા.

વિલિયમ અને હેરીના પારિવારિક સંબંધોમાં તિરાડનો પ્રથમ સંકેત ત્યારે મળ્યો હતો જ્યારે હેરી અને મેગને પોતાનું અલગ નિવાસસ્થાન બનાવવાનો નિર્ણય લીધો હતો અને ફ્રોગમોર હાઉસ રહેવાં ગયાં હતાં. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પર બંધારણીય નિયંત્રણો છે જ્યારે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ વધુ સ્વતંત્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter