પ્રિન્સ વિલિયમના ગ્લોબલ અર્થશોટ પ્રાઈઝ માટે જાહેર ૧૫ ફાઈનાલિસ્ટમાં બે ભારતીય

Wednesday 22nd September 2021 05:49 EDT
 
 

લંડનઃ પ્રિન્સ વિલિયમની ચેરિટી રોયલ ફાઉન્ડેશન દ્વારા મહત્ત્વાકાંક્ષી વૈશ્વિક પર્યાવરણીય એવોર્ડ ગ્લોબલ અર્થશોટ પ્રાઈઝ માટે જાહેર કરાયેલા ૧૫ ફાઈનાલિસ્ટમાં ભારતના બે પર્યાવરણવાદી, તામિલનાડુની ૧૪ વર્ષીય વિદ્યાર્થિની વિનિશા ઉમાશંકર અને ૩૦ વર્ષીય વિદ્યુત મોહનનો સમાવેશ થાય છે. ઓક્ટોબરમાં ૧૫ ફાઈનાલિસ્ટ્સમાંથી પાંચ વિજેતાની પસંદગી કરવામાં આવશે અને દરેક વિજેતાને ૧ મિલિયન પાઉન્ડ (૧.૪ મિલિયન ડોલર)ના મૂલ્યની ગ્રાન્ટ આપવામાં આવશે.

પ્રિન્સ વિલિયમના મહત્ત્વાકાંક્ષી પર્યાવરણીય એવોર્ડનો હેતુ ક્લાઈમેટ ચેઈન્જ, વાયુ પ્રદુષણ તેમજ પૃથ્વી સમક્ષની સૌથી મગંભીર સંસ્યાઓ હલ કરવા નવા વિચારો-આઈડિયા અને ટેકનોલોજીઓ શોધવાનો છે. પ્રાઈઝના ફાઈનાલિસ્ટ્સમાં ભારતમાં ઠેકઠેકાણે ચલાવાતા લાખો આયર્નિંગ (ઈસ્ત્રી) કાર્ટ્સ માટે વપરાશમાં લેવાતા કોલસાના સ્થાને સોલાર એનર્જીના ઉપયોગનો વિચાર મૂકનારી ૧૪ વર્ષીય વિદ્યાર્થિની વિનિશા ઉમાશંકર, ખતમ થઈ રહેલા પરવાળાંના ખડકો (કોરલ રીફ્સ)ના પુનર્સ્થાપન માટે લેન્ડ બેઝ્ડ કોરલ ફાર્મનું વિચારતી બહામાઝની ફર્મ, કોંગોમાં ગોરીલાના સંરક્ષણને સમર્પિત કોમ્યુનિટી પ્રોજેક્ટ અને ખેડૂતો માટે ઓર્ગેનિક વેસ્ટને ખાતર અને ઈન્સેક્ટ પ્રોટિનમાં ફેરવતા કેન્યાના અન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે.

પ્રિન્સ વિલિયમે ફાઈનાલિસ્ટ્સના નામો જાહેર કરતા પ્રી-રેકોર્ડેડ વીડિયોમાં જણાવ્યું હતું કે,‘અમે ગયા વર્ષે આ પ્રાઈઝ લોન્ચ કર્યું ત્યારે અમારી મહેચ્છા વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓના સૌથી નવતર ઉપાયો શોધવાની હતી. આ વર્ષે એવોર્ડ માટે ૭૦૦થી વધુ નોમિનેશન્સ મળ્યા હતા. તેમની રજૂઆતોની ગુણવત્તાથી અમને બધાને આશા જાગી છે કે આ નિર્ણાયક દાયકા માટેના અમારા ધ્યેયો પ્રાપ્ત કરી શકાય તેવાં છે.

આ પ્રાઈઝ સૌથી પ્રતિષ્ઠિત મનાયું છે જેમાં ૫૦ મિલિયન પાઉન્ડની ધનરાશિ છે અને ૨૦૩૦ સુધી પાંચ વિજેતાઓને દર વર્ષે તેમાંથી રકમો અપાશે. ૧૫ ફાઈનાલિસ્ટ્સમાંથી પાંચ વિજેતાની પસંદગી ૧૭ ઓક્ટોબરના સમારંભમાં કરવામાં આવશે અને દરેક વિજેતાને ૧ મિલિયન પાઉન્ડ (૧.૪ મિલિયન ડોલર)ના મૂલ્યની ગ્રાન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત, માઈક્રોસોફ્ટ, યુનિલિવર, આઈકા અને વોલમાર્ટ સહિત ૧૪ ગ્લોબલ કંપનીઓ અને બ્રાન્ડ્સ પણ ફાઈનાલિસ્ટો દ્વારા રજૂ કરાયેલા આઈડિયાઝને યોગ્ય ટેકો આપશે. વિલિયમ અને તેમની ચેરિટી રોયલ ફાઉનિડેશનને આ પ્રાઈઝ માટે પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીની ૧૯૬૨ની ‘મૂનશોટ’ સ્પીચ પરથી પ્રેરણા મળી હતી.

દિલ્હીસ્થિત ૩૦ વર્ષીય વિદ્યુત મોહન ટાકાચારે પોર્ટેબલ ટેકનોલોજી વિકસાવી છે જે પાકના બાળી નાખવા પડતા અવશેષોને ઝડપથી ફ્યૂલ અને ખાતર જેવી બાયો-પ્રોડક્ટસમાં ફેરવી નાખે છે. પાક લણ્યા પછી બાકી રહેતી પરાળ જેવી વસ્તુઓ અને જંગલોના કચરાને બાળી નખાવાથી તેના ગામના આકાશમાં જે પ્રકારે કાળો ધૂમાડો પ્રસરતો હતો અને પરિવારોના સ્વાસ્થ્યને જોખમ સર્જાતું હતું તે જોઈને વિદ્યુત મોહનને કશું કરવાની પ્રેરણા મળી હતી. તેઓ જે કામ કરી રહ્યા છે તેને વૈશ્વિક સ્તરે જોવા મળશે અને સમસ્યાની જાણકારી મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

ભારતમાં લાખો ફેરિયાઓ દ્વારા વસ્ત્રોને ઈસ્ત્રી કરવા માટે કોલસાના વપરાશ સાથેના કાર્ટ્સ ચલાવાય છે. આ કોલસાથી વાયુ પ્રદુષણ ફેલાય છે. ભારતમાં આવા હાલતાચાલતા આશરે ૧૦ મિલિયન ઈસ્ત્રીઘર છે અને તેમાં દરરોજ આશરે ૫૦ મિલિયન કિલો કોલસો વપરાય છે. તામિલનાડુના ગામ તિરુવન્નામલાઈની ૧૪ વર્ષીય વિદ્યાર્થિની વિનિશા ઉમાશંકરે કોલસાના બદલે સોલાર એનર્જી-સૌર ઊર્જાથી ચાલતા કાર્ટ્સ તૈયાર કર્યાં છે. વિનિશાનું કહેવું છે કે,‘ભૂતકાળમાં લોકોને જે માફક આવતું હતું તે વર્તમાન પેઢીને માફક આવે તેવું નથી અને વિશ્વની પરિસ્થિતિમાં પણ જરા પણ બંધબેસતું નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter