લંડનઃ બ્રિટનમાં બે તૃતીઆંશથી વધુ લોકોએ બ્રિટિશ ગાદી કરફ વફાદારી દર્શાવી રાજાશાહી જાળવી રાખવાનો મત દર્શાવ્યો છે, પરંતુ દેશની અડધોઅડધ વસ્તી ભાવિ રાજવી તરીકે નજીકના શાહી વારસદાર ૬૭ વર્ષના પ્રિન્સ ચાર્લ્સને નહિ, પરંતુ ૩૪ વર્ષના પ્રિન્સ વિલિયમને પસંદ કરે છે.
ઓપિનિયમ રિસર્ચમાં ૫૪ ટકા મતદારોએ ભાવિ રાજવી તરીકે પ્રિન્સ વિલિયમને પસંદ કર્યા હતા, જેમાં પુરુષોના ૪૭ ટકા અને સ્ત્રીઓનાં ૬૦ ટકાનો સમાવેશ થયો હતો. બીજી તરફ, ચારમાંથી માત્ર એક એટલે કે ૨૫ ટકા મતદારોએ પ્રિન્સ ઓફ વેલ્સની તરફેણ કરી હતી.
ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું નિધન થાય ત્યારે તેમના વારસદાર તરીકે ૬૭ વર્ષીય પ્રિન્સ ઓફ વેલ્સ ગાદીનશીન થશે, પરંતુ ૬૦ ટકા સ્ત્રી મતદાર અને ૪૭ ટકા પુરુષ મતદારે બીજી પેઢી એટલે કે પ્રિન્સ વિલિયમને ભાવિ રાજવીપદ માટે તરફેણ કરી હતી.
ઓપિનિયમ પોલમાં ૬૬ ટકા લોકોએ રાજાશાહીથી બ્રિટિશ અર્થતંત્રને લાભ થતો હોવાનું જણાવ્યું હતું, જ્યારે ૭૨ ટકાએ જણાવ્યું હતું કે રાજાશાહી સંસ્થાના લીધે વિશ્વમાં બ્રિટનને વધુ સકારાત્મક ઓળખ મળે છે.


