પ્રિન્સ વિલિયમે એપ્રિલમાં કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું ગુપ્ત રાખ્યું

Tuesday 03rd November 2020 09:35 EST
 
 

લંડનઃ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ એપ્રિલ મહિનામાં કોરોના વાઈરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા પરંતુ, કોઈને ચિંતા ન થાય તે માટે ટેસ્ટ રિઝલ્ટ ગુપ્ત રાખવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. બીબીસી દ્વારા જણાવાયું હતું કે બકિંગહામ પેલેસના સૂત્રો મારફત પ્રિન્સ વિલિયમને એપ્રિલમાં કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાની માહિતી મળી હતી.

ધ સન અખબાર દ્વારા આ સ્ટોરી જાહેર કરાઈ હતી. તેના અહેવાલો અનુસાર ૩૮ વર્ષના પ્રિન્સ વિલિયમે તેમના ટેલિફોન અને વીડિયો સંપર્કો યથાવત રાખ્યા હતા. તેમણે એક ઓબ્ઝર્વરને કહ્યું હતું કે તેઓ કોઈને ચિંતા કરાવવા માગતા ન હતા. રવિવારે કેન્સિંગ્ટન પેલેસનો સંપર્ક કરવામાં આવતા તેણે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો પરંતુ, આ દાવાને નકારી કાઢ્યો ન હતો.

ધ સન અનુસાર વિલિયમે જણાવ્યું હતું કે તે સમયે મહત્ત્વની બાબતો ચાલી રહી હતી અને તેઓ કોઈને ચિંતા કરાવવા ઈચ્છતા ન હોવાથી તેમણે પોતાના ટેસ્ટ પોઝિટિવ રિઝલ્ટ વિશે કોઈને કહ્યું ન હતું. અખબારે જણાવ્યું હતું કે પેલેસના ડોક્ટર્સે તેમની સારવાર કરી હતી અને નોરફોકમા આન્મેર હોલના પારિવારિક હોમમાં એકાંતવાસમાં રહી સરકારી ગાઈડલાઈન્સનું પાલન કર્યું હતુ. પ્રિન્સ વિલિયમે સંક્રમિત હોવાં છતાં, એપ્રિલ મહિનામાં ૧૪ ટેલિફોન અને વિડિયો એન્ગેજમેન્ટ્સ પાર પાડ્યા હતા. સૂત્રે જણાવ્યા મુજબ એક સમયે પ્રિન્સને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. આથી, તેમની આસપાસના લોકોને સ્વાભાવિક રીતે જ ચિંતા થઈ હતી.

વિલિયમના પિતા પ્રિન્સ ચાર્લ્સને પણ માર્ચ મહિનામાં હળવા લક્ષણો સાથે કોરોના વાઈરસ સંક્રમણ લાગ્યું હતું અને તેઓ ૧૪ દિવસ માટે ડચેસ ઓફ કોર્નવોલથી અલગ રહ્યા હતા. ડચેસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. એપ્રિલમાં ૧૫મી લગ્નગાંઠના થોડા દિવસો અગાઉ જ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા સાથે રહેવા લાગ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter