લંડનઃ કોઈ પણ નવા સંબંધોમાં એક સમય એવો આવે છે જ્યારે જીવનસાથીના પેરન્ટ્સને મળવું પડે છે. જોકે, ૩૨ વર્ષીય પ્રિન્સ હેરીના જીવનમાં છ મહિના અગાઉ જ આ સમય આવી ગયો હોવાનું કહેવાય છે. પ્રિન્સ હેરીએ તેની ૩૫ વર્ષીય ગર્લફ્રેન્ડ મેઘન મર્કેલના પિતા થોમસ મર્કેલ સાથે મુલાકાત કરી જ લીધી છે. પિતા મર્કેલને તેમની પુત્રી માટે ભારે ગૌરવ છે.
મેઘન મર્કેલ રહે છે અને અભિનેત્રી તરીકે કામગીરી કરે છે ત્યાં ટોરોન્ટોની એક મુલાકાત દરમિયાન પ્રિન્સ હેરી થોમસ મર્કેલને મળ્યા હતા. મેઘનના સાવકા ભાઈ થોમસ મર્કેલ જુનિયરના કહેવા અનુસાર હેરી-મેઘન ગળાડૂબ પ્રેમમાં છે. તેઓ બન્ને સાથે આનંદિત જણાય છે. થોમસ જુનિયરે કહ્યું હતું કે યુગલના સંબંધો જાહેરમાં આવ્યા તે પહેલા જ છ મહિના અગાઉ પ્રિન્સ હેરી તેના પિતાને મળ્યા હતા. તેમને પણ આ સંબંધની ખુશી છે અને મેઘન માટે તેમને ગૌરવ પણ છે.
થોમસ મર્કેલ સીનિયરે ટીવી ઓપેરામાં લાઈટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. મેઘન થોમસના બીજા પત્ની ડોરીઆ રેગલેન્ડની પુત્રી છે, જેની સાથે તેમણે ડાઈવોર્સ લીધેલા છે. થોમસ જુનિયર પ્રથમ પત્ની રોઝલિન દ્વારા જન્મ્યો છે.


