લંડનઃ ડ્યૂક ઓફ સસેક્સ-પ્રિન્સ હેરીએ પોતાના વોઈસમેઈલ મેસેજિસને ગેરકાયદે આંતરવાના આક્ષેપ સાથે બ્રિટિશ ટેબ્લોઈડ્સ ધ સન અને ડેઈલી મિરર સામે ફોન હેકિંગની કાનૂની કાર્યવાહી આરંભી છે. પ્રિન્સ હેરીએ તેમના પત્ની મેગન મર્કેલ સાથે બ્રિટિશ મીડિયા દ્વારા કરાયેલા વ્યવહારને કડક શબ્દોમાં વખોડી કાઢ્યા પછી આ કેસ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ડચેસ ઓફ સસેક્સે પણ ડેઈલી મેલ અને મેલ ઓન સન્ડે અખબારોની પેરન્ટ કંપની એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ વિરુદ્ધ અલગ દાવો માંડ્યો છે. ડચેસ ઓફ સસેક્સે ખાનગી માહિતીના કથિત ગેરકાયદે દુરુપયોગ, કોપીરાઈટના ઉલ્લંઘન અને ડેટા પ્રોટેક્શન એક્ટ ૨૦૧૮ના ભંગનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મેઈલ ઓન સન્ડે દ્વારા ડચેસ ઓફ સસેક્સે તેમના પિતાને લખેલો પત્ર પ્રસિદ્ધ કરાયો હતો.
ધ ગાર્ડિયન અખબારના અહેવાલ અનુસાર ડ્યૂક ઓફ સસેક્સ દ્વારા શુક્રવાર,ચોથી ઓક્ટોબરે ધ સન અને ડેઈલી મિરરના માલિકો વિરુદ્ધ કથિત ફોન હેકિંગ મુદ્દે કાનૂની દાવો માંડવામાં આવ્યો છે. દરમિયાન, બકિંગહામ પેલેસે નિવેદનમાં ડ્યૂક ઓફ સસેક્સ વતી વોઈસમેઈલ મેસેજિસને ગેરકાયદે આંતરવા બદલ હાઈ કોર્ટમાં દાવો દાખલ કરાયાને સમર્થન આપ્યું હતું. ધ સનના પ્રકાશક ન્યૂઝ ગ્રૂપ ન્યૂઝપેપર્સ દ્વારા પણ આવો દાવો દાખલ કરાયાને સમર્થન અપાયું હતું. કાનૂની વર્તુળોએ જણાવ્યું હતું કે હેરીનો કેસ ૨૦૦૦ના દાયકાની બહુચર્ચિત ઐતિહાસિક ફોન હેકિંગ ઘટનાઓ સાથે સાંકળવામાં આવે તેવી શક્યતા છે.
તાજેતરના મહિનાઓમાં પ્રિન્સ હેરીએ તેમની પત્ની મેગન સાથે બ્રિટિશ મીડિયા દ્વારા કરાયેલા વ્યવહારને જોરદાર શબ્દોમાં વખોડી કાઢ્યાના ત્રણ દિવસ પછી જ આ કાનૂની કાર્યવાહી કરાઈ છે. મંગળવારે કરેલા નિવેદનમાં હેરીએ જણાવ્યું હતું કે,‘ એક દંપતી તરીકે,અમે મીડિયાના સ્વાતંત્ર્ય, ઉદ્દેશો, સત્યસભર રિપોર્ટિંગમાં માનીએ છીએ. કમનસીબે, મારી પત્ની કોઈ પણ પરિણામોનો વિચાર કર્યા વિના વ્યક્તિઓ વિરુદ્ધ કેમ્પેઈન્સ ચલાવતા બ્રિટિશ મીડિયાનો શિકાર બની છે.’ તેમણે મર્કેલના પ્રેસ કવરેજને ૧૯૯૭ના ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામેલી માતા પ્રિન્સેસ ડાયના સાથે મીડિયાના વ્યવહાર સાથે સરખાવ્યું હતું. હેરીએ જનતાને તેમની પત્ની મેગન દ્વારા ડેઈલી મેલ અને મેલ ઓન સન્ડે અખબારોની પેરન્ટ કંપની એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ વિરુદ્ધ દાવો કરાયાની માહિતી આપી હતી.
મર્કેલનું પ્રતિનિધિત્વ કરતી કાનૂની પેઢી સિલિંગ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિનાશક ઈરાદા સાથે ખાનગી પત્રની બાબતોને ગેરકાયદે પ્રકાશિત કરાઈ હતી. નિવેદનમાં જણાવાયું હતું કે કાનૂની કાર્યવાહીનો ખર્ચ દંપતી ખુદ કરી રહ્યું છે અને કોર્ટમાં જે વળતર મળશે તેને તેઓ ધાકધમકી વિરુદ્ધ કાર્યરત ચેરિટીને દાનમાં આપી દેશે


