લંડનઃ શાહી પરિવારથી અલગ પડેલાં પ્રિન્સ હેરી અને મેગન મર્કલને યુએસના પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિનની વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિઓની વર્ષ ૨૦૨૧ની યાદીમાં સ્થાન મળવા ઉપરાંત મેગેઝિનના કવરપેજ પર પણ તેમને ચમકાવાયાં છે. ‘આઈકન’ સેક્શનમાં હેરી અને મેગનની ‘અવાજવિહોણાઓના અવાજ’ તરીકે પ્રશંસા કરવામાં આવી છે. વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં મેગનની સાથે ડોલી પારટોન અને નાઓમી ઓસાકા સહિત ૫૪ મહિલાનો સમાવેશ થયો છે. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને કોવિશીલ્ડ વેક્સિન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલા ઉપરાંત, અમેરિકાના પ્રમુખ જો બાઇડન, ઉપપ્રમુખ કમલા હેરિસ, ચીનના પ્રમુખ શી જિનપિંગ, ઇઝરાયેલના વડા પ્રધાન નફ્ટાલી બેનેટ, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ છે.
પ્રિન્સ હેરીના ૩૭મા જન્મદિને યુએસ પબ્લિકેશન ટાઈમ મેગેઝિને ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીના ગ્લોસી મુખપૃષ્ઠ પર હેરી-મેગનને સ્થાન આપ્યું છે જેમાં ડ્યૂક ઓફ સસેક્સ તેમની પત્નીની પાછળ તેના જમણા ખભા પર હાથ રાખીને ઉભેલા છે. આ તસવીર સસેક્સ દંપતીના કેલિફોર્નિયામાં મોન્ટેસિટોના ૧૪.૬૫ મિલિયન ડોલરના ભવ્ય મેન્શનની ટેરેસ પર લેવાઈ છે. આ તસવીરની ભારે ટીકા પણ કરાઈ છે. એક ટીકાકારે જણાવ્યા મુજબ આખો શો મેગનનો છે અને હેરી માત્ર સપોર્ટિંગ એક્ટર છે. ‘આઈકન’ સેક્શનમાં નાઓમી ઓસાકા, ડોલી પારટોન, બ્રિટની સ્પીઅર્સ અને એલેક્સાઈ નાવાલ્નીને પણ સ્થાન અપાયું છે.
ટીકાકારો દ્વારા ‘દંભી’ ગણાવાયેલા પ્રોફાઈલમાં હેરી અને મેગનના ગાઢ મિત્ર શેફ જોશ આન્દ્રેસે લખ્યું છે કે,‘ડ્યૂક અને ડચેસ જન્મથી પ્રતિભાનો આશીર્વાદ પામેલા છે અને તેમની પ્રસિદ્ધિ શિખરે પહોંચેલી છે. તેઓ ન જાણતા હોય તેવા લોકો તરફ પણ અનુકંપા ધરાવે છે. તેઓ માત્ર મંતવ્ય આપી છૂટી જતાં નથી. તેઓ સંઘર્ષ તરફ દોડી જાય છે.’ જોશ આન્દ્રેસની ચેરટી વર્લ્ડ સેન્ટ્રલ કિચનને સસેક્સ દંપતી ખૂબ ચાહે છે અને ભારત અને કેરેબિયન્સમાં તેમના આર્ચવેલ ફાઉન્ડેશન મારફત તેમની ચેરિટીને આર્થિક ટેકો પણ આપે છે. હેરી અને મેગનના પ્રોફાઈલમાં રોયલ ફેમિલી સાથેની તિરાડ અથવા ચેટક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સહિતના તેમના બોમ્બશેલ ઈન્ટરવ્યૂઝનો જરા પણ ઉલ્લેખ કરાયો નથી. હેરી અને મેગને સાથી ટાઈમ૧૦૦ નોમિની અને વેક્સિન કેમ્પેઈનર ન્ગોઝી ઓકોન્જો-ઈવિએલાનું પ્રોફાઈલ લખ્યું છે.
હેરીના પરિવારે તેમની સમસ્યાઓ બાજુએ રાખી દીધાનું જણાય છે. દાદીમા ક્વીને હેરીને ૩૭મા જન્મદિને શુભેચ્છાઓ પાઠવી વર્કિંગ રોયલ સભ્ય તરીકે હેરીના ચેરિટી કાર્યો દર્શાવતી તસવીરો જાહેર કરી હતી. પિતા પ્રિન્સ ચાર્લ્સે પણ નાના પુત્ર સાથે સંભારણા સ્વરુપની તસવીરો સાથે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને પણ સાદો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.