પ્રિન્સ હેરી અને મેગન ‘HRH’ ટાઈટલ્સનો ઉપયોગ નહિ કરેઃ શાહી સમજૂતી જાહેર

Wednesday 22nd January 2020 02:13 EST
 
 

લંડનઃ હેરી અને મેગનના સ્વતંત્ર ભાવિ વિશે પરિવારના વરિષ્ઠ સભ્યો અને શાહી સહાયકો વચ્ચે લંબાણ મંત્રણાઓના પગલે શનિવારે સાન્ડ્રિંઘામ ખાતે સમજૂતી સધાયા પછી રવિવારે ક્વીનના નિવેદન સ્વરુપે કેન્સિંગ્ટન પેલેસ દ્વારા તેની જાહેરાત કરાઈ હતી. આ નિવેદનમાં સ્પષ્ટ કરાયું હતું કે હેરી અને મેગન નોર્થ અમેરિકામાં નવું સ્વતંત્ર જીવન શરૂ કરવા માગે છે ત્યારે તેમના ટાઈટલ્સ ખૂંચવી લેવાશે નહિ પરંતુ, તેઓ ‘HRH’ ટાઈટલ્સનો ઉપયોગ કરશે નહિ તેવી સંમતિ શાહી દંપતીએ આપી છે. જોકે, પોતાને ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સ તરીકે ઓળખાવાનું ચાલુ રાખનારાં હેરી અને મેગન લાખો પાઉન્ડના મૂલ્યના કોમર્શિયલ ડીલ્સ કરવા માટે સ્વતંત્ર રહેશે. પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમ તરફથી આ સમજૂતી બાબતે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

શાહી પરિવારની ઐતિહાસિક સમજૂતી અનુસાર ડ્યૂક અને ડચેસને હવેથી જાહેર ભંડોળ અપાશે નહિ. હેરી અને મેગનના લગ્ન સમયે ક્વીને વિન્ડસરમાં ફ્રોગમોર કોટેજની ભેટ આપી હતી. આ કોટેજની સજાવટ પાછળ સોવરિન ગ્રાન્ટ તરીકે કરદાતાના નાણાનો કરાયેલો ૨.૪ મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ તેમણે પરત કરવાનો રહેશે. ફ્રન્ટલાઈન ડ્યૂટીઝ છોડવાની પરવાનગી સાથે તેમને સસેક્સ રોયલ બ્રાન્ડને વધારવાની છૂટ પણ અપાઈ છે. દંપતી રોયલ હાઈનેસીસ નહિ ગણાય છતાં લાખો પાઉન્ડના મૂલ્યની ‘સસેક્સ રોયલ બ્રાન્ડ્સ’ને ચાલુ રાખશે. બીજી તરફ, મેગન જો એક્ટિંગના ક્ષેત્રમાં ફરી પ્રવેશે તો પણ ઊંચી રકમો મેળવી શકે તેમ છે. મેગને તેના અમેરિકન ટેલિવિઝન શો ‘સ્યૂટ્સ’માં અભિનય માટે ત્રણ મિલિયન પાઉન્ડની રકમ મેળવી હતી.

પ્રિન્સ હેરી અને મેગન કેનેડા-અમેરિકા અને યુકે વચ્ચે પોતાનો સમય વીતાવવાના છે ત્યારે ફ્રોગમોર કોટેજને પોતાના બ્રિટિશ નિવાસ તરીકે જાળવી રાખવાના છે. આ માટે તેઓ વાર્ષિક આશરે ૩૬૦,૦૦૦ પાઉન્ડ સુધીનું કોમર્શિયલ ભાડું પણ ચૂકવશે. હેરી ડ્યૂક ઓફ સસેક્સ અને મેગન ડચેસ ઓફ સસેક્સની ઓળખ જાળવી રાખશે પરંતુ, ૨૦૨૦ના સ્પ્રિંગથી બ્રિટિશ શાહી પરિવારના વર્કિંગ સભ્ય નહિ રહે અને ક્વીન વતી સત્તાવાર ફરજો પણ બજાવશે નહિ. આમ ‘ધ ફર્મ’માંથી સદંતર અલગ થઈ જશે.

હેરી અને મેગનની સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત વિશે પણ વિચારવું પડશે. સમજૂતીમાં તેમની સુરક્ષાનો ખર્ચ કેટલો થશે કે તેની ચુકવણી કોણ કરશે તેનો કોઈ ઉલ્લેખ થયો નથી. જોકે, તેમનો સુરક્ષાખર્ચ ૧થી ૭ મિલિયન પાઉન્ડ વચ્ચે હોવાનો અંદાજ છે, જેનો નોંધપાત્ર હિસ્સો કેનેડા ભોગવશે તેવી પણ ચર્ચા છે. જોકે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ઓફિસે આ વિશે કોમેન્ટ કરવાનું નકાર્યું છે.

ક્વીનને આર્ચીને નહિ મળવાનું દુઃખ

ક્વીને નિવેદનમાં મેગનની પ્રશંસા પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ હેરી, મેગન અને આર્ચી હંમેશાં મારાં પરિવારનો પ્રેમ મેળવનારાં સભ્યો બની રહેશે.’ ક્વીનને આર્ચીને નહિ મળવાનું ભારે દુઃખ છે. તેમણે હાલ કેનેડામાં માતા સાથે રહેલા આઠ મહિનાના ‘સસેક્સ બેબી’ આર્ચીને લગભગ જોયો જ નથી તેમ કહી શકાય. ક્વીન અને ડ્યૂક ઓફ એડિનબરા સાથે તો આર્ચી માત્ર બે દિવસનો હતો ત્યારે વિન્ડસર કેસલમાં મુલાકાત થઈ હતી. આર્ચીના નામકરણ સમયે પણ તેઓ હાજર રહી શક્યાં ન હતાં.

આ ઉપરાંત, વિસ્તૃત પરિવાર સાથે પણ આર્ચીનો મેલજોલ થયો નથી. ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ અને તેના સંતાનો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઈ સાથે પણ આર્ચીની ગણીગાંઠી મુલાકાત થઈ છે. બધા કઝીન્સને સાથે ઉછરતા જોઈ શકાશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter