પ્રિન્સ હેરી અને મેગનનાં નવજાત પુત્રનું નામ આર્ચી હેરિસન માઉન્ટબેટન-વિન્ડસર

મિડલ નામમાં હેરિસનનો અર્થ હેરીના પુત્ર થાય છેઃ મુંબઈના ડબ્બાવાળાઓએ નવજાત રાજપુત્ર માટે ચાંદીના કડા, ઝાંઝર અને કમરપટ્ટો મોકલ્યાંઃ આર્ચી નામનું સાચું અનુમાન લગાવનાર મહિલાને ૧૮,૧૨૦ પાઉન્ડનો દલ્લો લાગ્યો

Friday 10th May 2019 06:27 EDT
 
 

લંડનઃ બ્રિટિશ જનતાને બુધવાર, આઠ મેના દિવસે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ-પ્રિન્સ હેરી અને મેગનનાં નવજાત પુત્ર આર્ચી હેરિસન માઉન્ટબેટન-વિન્ડસરને પ્રથમ વખત નિહાળવાનો લહાવો મળ્યો હતો. બ્રિટિશ ગાદીના સાતમા વારસદાર આર્ચીને માતાપિતાએ વહાલપૂર્વક ગોદમાં તેડી રાખ્યો હતો. મેગને છ મે, સોમવારે બાળકને જન્મ આપ્યાના બે દિવસ પછી વિન્ડસર કેસલના પ્રાંગણમાં ફોટોકોલનું આયોજન કરાયું હતું. આ પછી હેરી અને મેગન બાળક આર્ચીને લઈ ક્વીન અને પ્રિન્સ ફિલિપની મુલાકાતે ગયાં હતાં. ક્વીનની આઠમા ગ્રાન્ડચાઈલ્ડ સાથેની મુલાકાતમાં મેગનની માતા ડોરિયા રેગલેન્ડ પણ ઉપસ્થિત હતાં.

ખૂબ આનંદિત જણાતાં ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે કેટલાંક પ્રશ્નોના ઉત્તર પણ આપ્યાં હતા. આ ફોટોકોલ માત્ર ત્રણ મિનિટ ચાલ્યું હતું. મેગને જણાવ્યું હતું કે,‘ આ તો જાદુ છે, સુંદર આશ્ચર્ય છે. આ તો સ્વપ્ન જેવું જ લાગે છે. મારી પાસે વિશ્વના બે શ્રેષ્ઠ પુરુષ છે. હું ખરેખર ખુશ છું.’ બાળક કોના પર ગયું છે તે પ્રશ્નનમા ઉત્તરમાં મેગને જણાવ્યું હતું કે,‘હજુ અમે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.’ પ્રિન્સ હેરીએ કહ્યું હતું કે,‘લોકો કહે છે કે બાળકો દર બે સપ્તાહે બદલાતાં રહે છે આથી અમે આગામી મહિના સુધી આ ફેરફારની પ્રક્રિયા પર સતત ધ્યાન રાખતાં રહીશું.’ પ્રિન્સે પેરન્ટિંગ-બાળઉછેર વિશે કહ્યું હતું કે,‘ આ મઝાનું છે. હજુ તો માત્ર અઢી-ત્રણ દિવસ થયા છે પરંતુ, આનંદનું નાનકડું બચ્ચું અમારું હોવાનો ભારે રોમાંચ થઈ રહ્યો છે. તે ધીમે ધીમે વધવાની શરુઆત કરશે ત્યારે તેની સાથે કિંમતી સમય વીતાવવા માટે અમે ઉત્સુક છીએ.’

આર્ચી સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગયો હતો અને ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો મૂકાયાના માત્ર આઠ કલાકમાં ૪.૭ મિલિયન્સથી વધુ લાઈક્સ હાંસલ થયા હતા. આર્ચીને તેના પિતરાઈઓની માફક પ્રિન્સનું રોયલ ટાઈટલ નહિ મળે પરંતુ, માસ્ટર આર્ચી તરીકે ઓળખાશે.

આર્ચીને મુંબઈના ડબ્બાવાળાઓની ભેટ

મેનેજમેન્ટ ગુરુની ઓળખ ધરાવતા મુંબઈના ડબ્બાવાળા પ્રિન્સ હેરી અને અભિનેત્રી મેગનના પુત્રજન્મની અનોખી ઉજવણી કરી રહ્યા છે. તેમણે નવજાત રાજપુત્ર માટે ચાંદીના કડા, ઝાંઝર અને કમરપટ્ટો મોકલ્યાં છે. ડબ્બાવાળા એસોસિએશનના અધ્યક્ષ સુભાષ તળેકરે જણાવ્યું હતું કે પ્રિન્સ ચાર્લ્સની મુંબઈમાં અમારી સાથે મુલાકાતને લીધે અમારું વિશ્વમાં નામ થયું છે. અમને, અમારા કામને પ્રસિદ્ધિ અપાવનારા પ્રિન્સ ચાર્લ્સ હવે દાદા થયા છે અને રાજપરિવારને રાજપુત્ર મળ્યો છે. અમે બાળકના દીર્ઘાષ્યુ માટે પ્રાર્થના કરી છે. અમે આ નાના પૌત્રને આશીર્વાદ આપવા માટે ભેટ મોકલી છે. સોનાના દાગીના આપવાનું અમારે માટે મુશ્કેલ હોવાથી અમે ચાંદીની ભેટવસ્તુઓ મોકલી છે.

આર્ચી એટલે ‘બહાદુર’ અને ‘હિંમતવાન’

આર્ચી પરંપરાગત સ્કોટિશ નામ આર્ચિબાલ્ડનું ટુંકુ સ્વરુપ છે, જેનો અર્થ ‘સાચું, બહાદુર અને હિંમતવાન’ થાય છે. તેના મધ્ય નામમાં હેરિસન છે, જેનો અર્થ હેરીના પુત્ર તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ વિલિયમના પુત્ર અને ભાવિ રાજા પ્રિન્સ જ્યોર્જનું લાડકું નામ પણ આર્ચી છે. આર્ચીની સરનેમ એટલે કે અટક ‘વિન્ડસર-માઉન્ટબેટન’ રખાઈ છે તેનો પણ એક ઈતિહાસ છે.

ક્વીન એલિઝાબેથની ૧૯૫૨માં તાજપોશી કરાયાં પછી પ્રિન્સ ફિલિપે તેમના સંતાનોને પોતાની અટક ‘માઉન્ટબેટન’ (જર્મન રાજવંશ બેટેનબર્ગ પરથી) આપવાની માગણી કરી હતી. પ્રિન્સ ફિલિપે ૧૯૪૭માં પ્રિન્સેસ એલિઝાબેથ સાથે લગ્ન કરવા બ્રિટિશ નાગરિકત્વ સિવીકારવા સાથે પોતાના ગ્રીક અને ડેનિશ રોયલ ટાઈટલ્સનો ત્યાગ કર્યો હતો.લગ્ન પછી પતિની અટક ધારણ કરાતી હોવાથી તે યોગ્ય પણ હતું. જોકે, ક્વીન એલિઝાબેથ દ્વિતીયે કિંગ જ્યોર્જ પંચમે ૧૯૧૭માં અપનાવેલી વિન્ડસર અટક જાળવી હતી. પ્રિન્સ ફિલિપ આનાથી ખુશ ન હતા. આખરે ૧૯૬૦માં ક્વીને પોતાની અને પ્રિન્સ ફિલિપની સરનેમ એકત્ર કરી ‘વિન્ડસર-માઉન્ટબેટન’ અટક અપનાવી હતી. નોંધનીય છે કે પ્રિન્સ ફિલિપના મામા લોર્ડ લુઈસ ‘ડિકી’ માઉન્ટબેટન ભારતના આખરી વાઈસરોય હતા.

સટોડિયાઓ માટે સૌથી મોટું આશ્ચર્ય

ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે બાળકનું નામ આર્ચી રાખવા માટે કોઈ કારણ આપ્યું નથી પરંતુ, બ્રિટનમાં આ નામ લોકપ્રિય છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર ૨૦૧૭માં બાળકોનાં નામમાં તે ટોપ ૨૦ નામમાં હતું. એલેકઝાન્ડર નામ પર દાવ ખેલી રહેલા સટોડિયાઓ માટે આર્ચી નામે ઉથલપાથલ સર્જી હતી. નવજાત બાળકનું નામ આર્ચી રખાશે તેવું અનુમાન લગાવનાર મહિલાને ૧૮,૧૨૦ પાઉન્ડનો દલ્લો લાગ્યો હતો. આ મહિલાના પૌત્ર આર્ચીનો જન્મદિવસ હોવાથી તેણે શાહી પરિવાર આ નામ રાખશે તેમ માની ૧૨૦ પાઉન્ડની બેટ લગાવી હતી. જીતેલી રકમ પોતાના પૌત્ર માટે અલગથી જાળવી રાખશે તેમ આ મહિલાએ કહ્યું હતું. બૂકમેકર લેડબ્રોક્સને આર્ચી માટે માત્ર ૬૦ બેટ મળી હતી. મોટા ભાગના લોકોએ વધુ પરંપરાગત શાહી નામની આશા રાખી હતી અને બુકીઓની પસંદગી જેમ્સ, આર્થર અને એડવર્ડ નામો માટે હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter