લંડનઃ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી તેમજ તેમની પત્નીઓ વચ્ચે કહેવાતા મતભેદના કારણે બ્રિટિશ શાહી પરિવારમાં કલેશ પછી ભાગલા શરૂ થઈ ગયા છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનથી અલગ થઈ રહ્યાં છે. પ્રિન્સ હેરી અને મેગન સંપૂર્ણ સ્વતંત્રતા ઈચ્છતાં હતાં પરંતુ, ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ચાર્લ્સે તે માટે પરવાનગી આપી નથી. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ દંપતીના પ્રથમ બાળકનો એપ્રિલ મહિનામાં જન્મ થાય તે પછી નવા પરિવારની રચના થવાની શક્યતા છે. બકિંગહામ પેલેસના નિવેદન અનુસાર બન્ને ભાઈ પોતાના ઘર અને ઓફિસ અલગ રાખશે.
ડ્યૂક ઓફ કેમ્બ્રિજ અને ડ્યૂક ઓફ સસેક્સના પરિવારોની અલગ થવાની યોજના પહેલાથી નિશ્ચિત હતી. આ નિર્ણયને પ્રિન્સ મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સે પણ સંમતિ આપી હતી. પ્રિન્સ વિલિયમ અને કેટ તેમની ઓફિસ શાહી મહેલની બહાર રાખશે. જ્યારે હેરી અને મેગનની ઓફિસ મહેલમાં સ્થળાંતરિત થશે પરંતુ, તેમનો નિવાસ મહેલથી બહાર ફ્રોગમોર હાઉસમાં રહેશે. પ્રિન્સ હેરી અને મેગન નવા ઘરમાં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા માગે છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સની બકિંગહામ પેલેસથી સંપૂર્ણ સ્વતંત્ર થવાની આશા પર મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સે પાણી ફેરવ્યું છે. આ દંપતી બકિંગહામ પેલેસમાં આગવા શાહી કર્મચારીઓ મેળવી શકશે. હેરી અને મેગને ગત સપ્તાહે કેન્સિંગ્ટન પેલેસમાંથી ફ્રોગમોર હાઉસમાં જઈ પોતાનો અલગ પરિવાર સ્થાપવાની યોજના જાહેર કરી હતી. શાહી પરિવાર સંસ્થાગત માળખું ધરાવે છે, જેમાં આ પ્રકારની સ્વતંત્રતા મળતી નથી. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સને બકિંગહામ પેલેસના અધિકારક્ષેત્ર હેઠળ જ રહેવું પડશે.
પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમ તેમની પત્નીઓ સાથે કેમ્બ્રિજ અને સસેક્સ માટેની મુખ્ય ચેરિટેબલ સંસ્થા રોયલ ફાઉન્ડેશનના સંયુક્ત પેટ્રન બની રહેશે.


