પ્રિન્સ હેરી અને મેગને સુરક્ષાખર્ચ ખુદ ઉઠાવવો પડશેઃ પ્રમુખ ટ્રમ્પ

Monday 30th March 2020 05:51 EDT
 
 

લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે હવે કેનેડાના બદલે અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો છે ત્યારે ફરી તેમના સલામતી ખર્ચનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું છે કે યુએસ પ્રિન્સ હેરી અને મેગનનો સુરક્ષાખર્ચ ચૂકવશે નહિ. ટ્રમ્પે ટ્વીટમાં જણાવ્યું હતું કે,‘તેઓ ક્વીન અને યુનાઈટેડ કિંગ્ડમના મહાન મિત્ર અને પ્રશંસક છે. પરંતુ તેમણે ચૂકવણી કરવી પડશે.’ બીજી તરફ, સસેક્સ દંપતીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ યુએસમાં પ્રજા દ્વારા ચૂકવાતી સુરક્ષા માગવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી.

કહેવાય છે કે કોરોના વાઈરસના વધતા જતા રોગચાળા વચ્ચે સસેક્સ દંપતી મેગનના વતન રાજ્ય કેલિફોર્નિયામાં સ્થળાંતર કરીને આવ્યા છે. મેગનની માતા ડોરીઆ રેગલેન્ડ રહે છે અને મેગનનો ઉછેર થયો હતો તે લોસ એન્જલસ વિસ્તારમાં સસેક્સ દંપતી રહેવા આવ્યા હોવાનું યુએસ મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. તેઓ ૩૧ માર્ચથી સીનિયર રોયલ્સ તરીકેની ફરજોમાંથી સત્તાવારપણે મુક્ત થાય છે અને ક્વીનના વતી કોઈ ડ્યૂટી નિભાવશે નહિ. જોકે, આ વ્યવસ્થાની એક વર્ષ પછી સમીક્ષા કરાવાની છે.

૨૯ માર્ચ રવિવારે એક નિવેદનમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ સુરક્ષાખર્ચ માટે યુએસ સરકારને કશું જણાવવા માગતા નથી. ખાનગી ભંડોળ સાતેની સુરક્ષા વ્યવસ્થા કરી દેવાઈ છે.’ ઉલ્લેખનીય છે કે ગયા મહિને કેનેડા સરકારે જણાવ્યું હતું કે દંપતીના દરજ્જામાં ફેરફાર થવા સાથે તેઓ પરિવારને સલામતી સહાય આપવાનું બંધ કરી દેશે. હવે પ્રમુખ ટ્રમ્પ પણ તેને અનુસરી રહ્યા હોવાનું જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter