પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલનું લગ્નજીવન ભંગાણના આરે?

તાજેતરમાં કરારો રદ થતાં આર્થિક દબાણે રાજવી દંપતીમાં વિખવાદ સર્જ્યો હોવાનો દાવો

Tuesday 25th July 2023 12:09 EDT
 
 

લંડનઃ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના લગ્નજીવનમાં સબ સલામત નથી તેવા અહેવાલો સામે આવી રહ્યાં છે. મે 2018માં લગ્ન કર્યા બાદ યુકેમાં મેઘન મર્કેલની આકરી ટીકા થતાં આ રાજવી દંપતી યુકે છોડી અમેરિકામાં સ્થાયી થયું છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના લગ્નજીવનમાં ભંગાણ સર્જાયું છે અને બંને અલગ-અલગ રહે છે.

રડાર ઓનલાઇન રિપોર્ટના જણાવ્યા અનુસાર ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ તેમના સંબંધને પુનર્જિવિત કરવા માટે સમય લઇ રહ્યાં છે. તેઓ તેમના લગ્નજીવનમાં આવેલી સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસમાં છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર રાજવી જીવન છોડીને અમેરિકા જનારા પ્રિન્સ હેરી મેઘન મર્કેલની દુનિયામાં સેટ થઇ રહ્યા નથી. તાજેતરના સમયગાળામાં આર્થિક કરારો અને અન્ય મામલાઓમાં રાજવી દંપતીની પીછેહઠના કારણે પણ બંને વચ્ચે મતભેદો સર્જાયા છે. રદ થયેલો સ્પોટીફાય સાથેનો કરાર પ્રિન્સ હેરી અને મેઘન વચ્ચેના સંબંધોમાં તિરાડ માટે મુખ્યત્વે જવાબદાર મનાઇ રહ્યો છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિન્સ હેરી એકલા જ આફ્રિકાની મુલાકાતે જઇ રહ્યા છે અને મેઘન મર્કેલ તેમની સાથે જવાના નથી. સૂત્રએ દાવો કર્યો છે કે આ રીતે એકબીજાથી દૂર રહેવાથી કદાચને તેમને તેમના સંબંધોમાં રહેલી સમસ્યાઓ દૂર કરવાની તક મળી જાય. કેલિફોર્નિયામાં લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ માટે જરૂરી નાણાનું આર્થિક દબાણ પણ બંને વચ્ચેની કડવાશ માટે કારણભૂત ગણાય છે.

પ્રિન્સેસ કેટે પ્રિન્સ હેરીને પરત લાવવાના પ્રયાસો આરંભ્યા

પ્રિન્સ હેરી અને મેઘનના લગ્નજીવનમાં કથિત ભંગાણના દાવાઓ વચ્ચે પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટને પ્રિન્સ હેરીનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. પ્રિન્સેસ કેટે પ્રિન્સ હેરીને પરિવારમાં પરત લાવવાના પ્રયાસો આરંભ્યા હોવાની જાણ થતાં મેઘન મર્કેલ ઘણા રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter