લંડનઃ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ યુકે પરત ફર્યા હોવા છતાં, તેઓ કોઈ પણ સત્તાવાર રાજવી ફરજો બજાવશે નહીં. કિંગ ચાર્લ્સ વતી મોકલવામાં આવેલા એક પત્રમાં પુષ્ટિ કરવામાં આવી છે કે તેઓ ખાનગી નાગરિકો તરીકે જ રહેશે.
બકિંગહામ પેલેસના વરિષ્ઠ અધિકારી લૉર્ડ ચેમ્બરલેન દ્વારા જારી કરાયેલો આ સંદેશ હેરીની ટીમની સાથે સરકારી વિભાગો, સૈન્ય અધિકારીઓ અને લૉર્ડ લેફ્ટનન્ટ્સને પણ મોકલવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ દ્વારા કરવામાં આવતી તમામ જાહેર પ્રવૃત્તિઓ તેમની વ્યક્તિગત ક્ષમતામાં હશે અને તે રાજપરિવારનું પ્રતિનિધિત્વ કરશે નહીં.
પોતાના બાળકો આર્ચિ અને લિલિબેટ સાથે બ્રિટન પરત ફર્યા હોવા છતાં, હેરી અને મેઘનને હિઝ/હર રોયલ હાઇનેસના ટાઇટલનો ઉપયોગ કરવાની પણ મનાઈ રહેશે. જાન્યુઆરી 2020માં ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સે રાજા વતી સત્તાવાર ફરજોમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેઓ હવે રોયલ ફેમિલીના કામકાજી સભ્યો નથી. તેમનું સામાજિક કે ચેરિટી કાર્ય તેમની વ્યક્તિગત બાબત છે.

