લંડન
બ્રિટનના રાજવી પરિવાર સામે બળવો પોકારનાર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન મર્કેલને વિન્ડસર એસ્ટેટમાંથી તેમનું ઘર ખાલી કરી દેવાના આદેશ અપાયાના અહેવાલો સામે આવ્યાં છે. રાજવી પરિવારના આ પગલાંના કારણે પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ પાસે યુકેમાં હવે રહેવાનું ઠેકાણું નહીં રહે. 2.4 મિલિયન પાઉન્ડ કિંમતનું આ મકાન ફ્રોગમોર કોટેજ 2018માં ક્વીન એલિઝાબેથ દ્વારા પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને લગ્ન પ્રસંગે ભેટમાં અપાયું હતું. અખબારી અહેવાલો પ્રમાણે હવે આ મકાન કિંગ ચાર્લ્સ તૃતિયના ભાઇ પ્રિન્સ એન્ડ્રુને સોંપાયું છે.
ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સનો ખિતાબ ધરાવતા પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને પ્રિન્સ હેરીના પુસ્તક સ્પેરના પ્રકાશનના થોડા જ દિવસોમાં આ મકાન ખાલી કરવાનો આદેશ આપી દેવાયો હતો. કિંગ ચાર્લ્સ લાંબાસમયથી રાજવી પરિવારનું કદ ઘટાડવાના હિમાયતી રહ્યાં છે. હાલ તેઓ રાજવી પરિવારના ફંડિંગમાં પણ મોટાપાયે બદલાવ કરી રહ્યાંનું જાણવા મળી રહ્યું છે.
પ્રિન્સ એન્ડ્રુને અપાતી વાર્ષિક 2,50,000 પાઉન્ડની ગ્રાન્ટ બંધ કરી દેવાય તેવી સંભાવના છે જેના કારણે તેમને હાલનું નિવાસસ્થાન ખાલી કરવાની નોબત આવી શકે છે. 30 ઓરડા ધરાવતું આ મકાન પણ વિન્ડસર એસ્ટેટમાં આવેલું છે અને તેની જાળવણી પાછળ મોટો ખર્ચ કરવો પડે છે.
પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ રાજવી અધિકારોનો ત્યાગ કરીને 2020માં અમેરિકાના કેલિફોર્નિયા ખાતે વસવાટ માટે ચાલ્યા ગયાં હતાં. ત્યારબાદ રાજવી પરિવાર દ્વારા તેમની સાથે થયેલા કથિત અન્યાયની રજૂઆતો સંખ્યાબંધ મંચો પરથી કરી હતી. પ્રિન્સ હેરીની આત્મકથા સ્પેરના પ્રકાશન બાદ તો રાજવી પરિવાર સાથેના તેમના સંબંધો તળિયે બેસી ગયાં હતાં.
જોકે આ અહેવાલો પર ટિપ્પણી કરવાનો બકિંગહામ પેલેસે ઇનકાર કરી દીધો છે. સસેક્સિસના પ્રતિનિધિ દ્વારા ટિપ્પણી આપવામાં આવી નથી.
કિંગ ચાર્લ્સની તાજપોશીમાં પ્રિન્સ હેરી અને મેઘનને સત્તાવાર આમંત્રણ અપાયું
6 મેના રોજ યુકેના રાજા તરીકે કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં સસેક્સના ડ્યુક અને ડચેસ પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન મર્કેલને સામેલ થવા માટે સત્તાવાર આમંત્રણ અપાયું છે. જોકે તેઓ તાજપોશીમાં હાજરી આપશે કે કેમ તે અંગે તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર અપાયો નથી. કિંગ ચાર્લ્સની તાજપોશીના દિવસે પ્રિન્સ હેરીના પુત્ર આર્ચીનો ચોથો જન્મદિવસ પણ છે.


