લંડન
પ્રિન્સ હેરી અને મેઘાન મર્કેલના સંતાનોને HRH ટાઇટલ આપવામાં નહીં આવે જેના કારણે રાજવી પરિવારનું આ દંપતી ધૂંધવાઇ ઉઠ્યું છે. જોકે કિંગ ચાર્લ્સ ત્રીજા પ્રિન્સ હેરી અને મેઘાનના 3 વર્ષીય દીકરા આર્ચી અને 1 વર્ષીય દીકરી લિલિબેટને પ્રિન્સ અને પ્રિન્સેસનો દરજ્જો આપવા સહમત થયાં છે. એક સપ્તાહની ઉગ્ર ચર્ચા બાદ કિંગ ચાર્લ્સે આર્ચી અને લિલિબેટને HRH ટાઇટલ આપવાનો ઇનકાર કરી દીધો છે. રાજવી પરિવારે 2020માં બ્રિટન અને પરિવારને છોડીને અમેરિકામાં સ્થાયી થયેલા પ્રિન્સ હેરી અને મેઘાન મર્કેલને અપાયેલા HRH ટાઇટલ પણ પાછા ખેંચી લીધાં હતાં. આર્ચી અને લિલિબેટને પ્રિન્સ અને પ્રિન્સેસ ગણાવવામાં આવશે પરંતુ તેઓ વર્કિંગ રોયલ્સ ન હોવાના કારણે તેમને HRH ટાઇટલથી વંચિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગયા સપ્તાહમાં પ્રિન્સ હેરી અને મેઘાન મર્કેલે તેમના સંતાનોને HRH ટાઇટલ અપાવવા માટે રાજવી પરિવાર સાથે ઉગ્ર ચર્ચાઓ કરી હતી પરંતુ કિંગ ચાર્લ્સ દ્વારા તેનો ઇનકાર કરી દેવાયો હતો.
પ્રિન્સ હેરીના મિલિટરી યુનિફોર્મ પરથી “ER” ઇનિશિયલ્સ હટાવાતાં વિવાદ
વેસ્ટમિન્સટર હોલ ખાતે મહારાણીના પાર્થિવ દેહ સમક્ષ ઊભા રહેતી વખતે ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીના મિલિટરી યુનિફોર્મમાંથી “ER” હટાવી લેવાતાં પ્રિન્સ હેરી અત્યંત વ્યથિત થઇ ગયાં હતાં. શનિવારે રાત્રે મહારાણીના કોફિન સમક્ષ ઊભા રહેતી વખતે કિંગ ચાર્લ્સના કહેવાથી પ્રિન્સ ચાર્લ્સે 2020 પછી પહેલીવાર તેમનો રોયલ મિલિટરી યુનિફોર્મ પહેર્યો હતો. પરંતુ તેના પરથી સ્વર્ગસ્થ મહારાઈના “ER” ઇનિશિયલ્સ ગાયબ હતાં. જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમના યુનિફોર્મ પર “ER” ઇનિશિયલ્સ મોજુદ હતાં. આ બદલાવના કારણે વિચલિત થયેલા પ્રિન્સ હેરીએ વધુ ફજેતી થતી અટકાવવા માટે હવે શોક દરમિયાન પહેરાતો શૂટ પહેરવા વિચારણા કરી હતી. 2020માં રાજવી જિંદગીમાંથી અલગ થયા બાદ પ્રિન્સ હેરીને અપાયેલા તમામ માનદ મિલિટરી ટાઇટલ્સ પાછા ખેંચી લેવાયા હોવાથી પ્રિન્સ હેરી મિલિટરી યુનિફોર્મ પહેરશે તેવી આશા રાખવામાં આવી નહોતી. જોકે પ્રિન્સ એન્ડ્રુએ તેમનો વાઇસ એડમિરલનો યુનિફોર્મ પહેર્યા બાદ વિવાદસર્જાતા કિંગ ચાર્લ્સે પ્રિન્સ હેરીને મિલિટરી યુનિફોર્મ પહેરવાની સૂચના આપી હતી.
મેઘાન મર્કેલ બ્રિટનમાં વાપસી કરે તેવી સંભાવના
બ્રિટનમાં મળેલા અદ્દભૂત લોકસત્કારથી પ્રભાવિત થયેલા મેઘાન મર્કેલ બ્રિટનમાં પાછા ફરવાનો નિર્ણય લઇ શકે છે. મહારાણીના નિધન બાદ પતિ પ્રિન્સ હેરી, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ સાથે લોકોની વચ્ચે સમય વીતાવવા દરમિયાન જનતા તરફથી પ્રાપ્ત થયેલા આવકારને પગલે મેઘાન મર્કેલ ફરી એકવાર બ્રિટનમાં પાછા ફરવાની તૈયારી કરી શકે છે.
રાજવી બાબતોના નિષ્ણાત નીલ સીન કહે છે કે જનતા તરફથી મળેલા પ્રતિસાદે મેઘાન મર્કેલને પ્રોત્સાહિત કર્યા છે કે તેમને બ્રિટનમાં પસંદ કરવામાં આવી રહ્યાં છે. તેથી તે ગમે ત્યારે બ્રિટન પરત ફરી શકે છે. મેઘાન જનતાની વચ્ચે પણ સમય વીતાવવા તૈયાર છે. બ્રિટન આવતા પહેલાં મેઘાનને ભય હતો કે બ્રિટનની જનતા તેમને કેવી રીતે આવકારશે પરંતુ જનતાના પ્રતિસાદના કારણે તેમના મનમાંથી આ ભય ઝડપથી દૂર થઇ ગયો હતો. હવે તેમને લાગી રહ્યું છે કે બ્રિટનની જનતા તેમને પસંદ કરી રહી છે. મેઘાન મર્કલ ઘણી નાજૂક સ્થિતિમાં બ્રિટન આવ્યાં હતાં પરંતુ બ્રિટનની જનતા તેમને જોઇનેં ખુશ થઇ હતી. જોકે તેમની બ્રિટન વાપસી માટે રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યો તેમને માફ કરી દે તે જરૂરી છે.


