લંડન
આગામી મહિને યોજાનારી કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીના સમારોહમાં પ્રિન્સ હેરી હાજર રહેશે પરંતુ તેમની પત્ની મેઘન મર્કેલ અને બાળકો સમારોહમાં હાજરી આપશે નહીં અને કેલિફોર્નિયામાં જ રહેશે. બકિંગહામ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને જણાવતા ખુશી થાય છે કે ડ્યુક ઓફ સસેક્સ 6 મેના રોજ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે યોજાનારા તાજપોશી સમારોહમાં હાજર રહેશે પરંતુ ડચેસ ઓફ સસેક્સ અને તેમના સંતાનો પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટ કેલિફોર્નિયામાં જ રહેશે. આ જાહેરાતન પગલે તાજપોશી સમારોહમાં પ્રિન્સ હેરીની હાજરી અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિન્સ હેરી સારી રીતે જાણે છે કે તેમના પિતા કિંગ ચાર્લ્સ તૃતિયના જીવનનો આ સૌથી મહત્વનો દિવસ છે અને જો તેઓ તાજપોશી સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કરશે તો તેનો ખેદ તેમને આખી જિંદગી રહેશે. પ્રિન્સ હેરીએ તેમની આત્મકથા સ્પેરમાં પિતા ચાર્લ્સ સાથેના ઉષ્માસભર સંબંધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે મેં મારા પિતાને હંમેશા પ્રેમ કર્યો છે.
કિંગ ચાર્લ્સ નથી ઇચ્છતા કે તાજપોશીની આ સૌથી પવિત્ર વિધિ વિશ્વ નિહાળે....
આમ તો કિંગ ચાર્લ્સ ઇચ્છે છે કે તાજપોશીની કાર્યવાહીનો મહત્તમ હિસ્સો જનતા જોઇ શકે પરંતુ નથી ઇચ્છતા કે વેસ્ટ મિન્સ્ટર આબે ખાતે તાજપોશી પહેલાં તેમનો અભિષેક હોલી ઓઇલ દ્વારા કરાય તે વિધિ જનતા ન જૂએ. આ વિધિને ફિલ્માવવા પર તેમણે ટેલિવિઝન કેમેરા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. કિંગ ઇચ્છે છે કે તાજપોશીની આ સૌથી પવિત્ર વિધિ ગુપ્ત રાખવામાં આવે. તેથી કિંગ ચાર્લ્સનો હોલી ઓઇલથી જાહેરમાં અભિષેક કરાશે નહીં. કિંગ ચાર્લ્સ માને છે કે પરમેશ્વર સાથેના તેમના સંબંધનું સૌથી વધુ સન્માન થવું જોઇએ.
કિંગ ચાર્લ્સની સંપત્તિ ક્વીન એલિઝાબેથ કરતાં બે ગણી,600 મિલિયન પાઉન્ડ
કિંગ ચાર્લ્સ તૃતિયની પોતાની સંપત્તિ ઘણી વધી છે. તે તેમને તેમના માતા ક્વીન એલિઝાબેથ દ્વિતિય કરતાં વધુ અમીર બનાવી રહી છે. કિંગ ચાર્લ્સની અંગત સંપત્તિ 600 મિલિયન પાઉન્ડ છે. 2022માં ક્વીન એલિઝાબેથની કુલ અંગત સંપત્તિ 370 મિલિયન પાઉન્ડ હતી. ઘણા વર્ષોથી કિંગ ચાર્લ્સ ડચી ઓફ કોર્નવોલમાંથી થતી આવકમાંથી બચત કરતા હતા, તેમને હાઉસિંગ ડેવલપમેન્ટ અને બિસ્કિટ તથા બીયરના ઉત્પાદનમાંથી કમાણી થતી હતી. 1990ના દાયકામાં લેડી ડાયના સાથેના ડિવોર્સ સેટલમેન્ટ બાદ કિંગ ચાર્લ્સે તેમના ફાઇનાન્સને કાળજીપુર્વક પુનઃનિર્મિત કર્યાં છે.
રાજશાહી વિરોધીઓ તાજપોશીમાં ખલેલ પાડે તેવી સંભાવના
આગામી મહિને કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં બ્રિટનના રાજાશાહી વિરોધી તત્વો ખલેલ પહોંચાડે તેવી સંભાવના છે. રિપબ્લિક નામનું સંગઠન જાહેરમં રાજાશાહી નાબૂદ કરવાની હિમાયત કરતું આવ્યું છે. આ સંગઠન તાજપોશીના દિવસે દેખાવો કરવાની યોજના બનાવી રહ્યું છે. સંગઠને તેની વેબસાઇટ પર રાજાશાહીના વિરોધીઓને પીળા ટીશર્ટ અને નોટ માય કિંગ બેનરો સાથે હજારો લોકોને 6 મેની સવારે 6 કલાકે ટ્રાફલગર સ્ક્વેર ખાતે ઉમટી પડવાનું આહવાન કર્યું છે. કિંગ ચાર્લ્સની તાજપોશીનો રસાલો આજ રૂટ પરથી પસાર થવાનો છે.


