લંડનઃ રાજવી પરિવારના નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યાં છે કે પ્રિન્સ હેરી તેમના ભાઇ પ્રિન્સ વિલિયમ સામે સમાધાનનો હાથ લંબાવશે. જોકે તેનો આધારે મેઘન મર્કેલ તૈયાર થાય તેના પર રહેલો છે. ચાર વર્ષ પહેલાં પ્રિન્સ હેરીએ રાજવી પરિવાર સાથે છેડો ફાડી નાખ્યો હતો અને ભાઇ પ્રિન્સ વિલિયમ પર આઘાતજનક આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલે રાજવી પરિવાર પર વિવાદાસ્પદ આરોપો મૂકતાં આ તિરાડ વધુ પહોળી બની હતી.
રાજવી પરિવારના સભ્યોની જીવની લખનાર રિચર્ડ ફિત્ઝવિલિયમ્સ માને છે કે બંને ભાઇઓ વચ્ચેના સંબંધો સુધરી શકે છે. તાજેતરમાં રાજવી પરિવાર જે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તે જોતાં બંને ભાઇઓ વચ્ચે સુમેળ સધાઇ શકે છે. આમ પણ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ આશ્ચર્યો સર્જવા માટે જાણીતા છે.
મેઘન મર્કેલ યુકે પરત ફરે તેવી કોઇ સંભાવના નથી
લંડનઃ રાજવી પરિવારની બાબતોના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન દ્વારા આમંત્રણ અપાશે તો પણ ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કેલ નજીકના ભવિષ્યમાં યુકે પરત ફરે તેવી સંભાવના દેખાતી નથી. પ્રિન્સ હેરી આગામી મહિનાઓમાં લંડનની મુલાકાત લેશે પરંતુ મેઘન મર્કેલ બાળકો સાથે યુકે આવે તેવી કોઇ સંભાવના નથી. તાજેતરના અહેવાલો અનુસાર પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ રાજવી પરિવારમાં સર્જાયેલા વિભાજનને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. તેમણે પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને આમંત્રણ પણ પાઠવ્યું હતું પરંતુ મેઘને તેનો અસ્વીકાર કર્યો હતો.


