લંડનઃ માતા પ્રિન્સેસ ડાયેનાએ ૨૪ વર્ષ અગાઉ કર્યું હતું તેમ ધ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન ‘મેગ્ઝિટ’ સમજૂતી અનુસાર તેમનાં ‘રોયલ હાઈનેસીસ’ ગુમાવશે. સમજૂતીની શરતો કહે છે તેમ તેઓ હેરી, ધ ડ્યૂક ઓફ સસેક્સ અને મેગન, ધ ડચેસ ઓફ સસેક્સ તરીકે ઓળખાશે.
હેરીની માતા ડાયેનાએ પણ ૨૪ વર્ષ અગાઉ પ્રિન્સ ચાર્લ્સ સાથે ડાયવોર્સ પછી ‘રોયલ હાઈનેસ’ ટાઈટલ છોડ્યું હતું અને ડાયેના, પ્રિન્સેસ ઓફ વેલ્સનું ટાઈટલ મેળવ્યું હતું. મૂળ ડાયેના સ્પેન્સરે ૧૯૮૧માં પ્રિન્સ ચાર્લ્સ સાથે લગ્ન પછી ‘HRH પ્રિન્સેસ ઓફ વેલ્સ’ ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું, જે મુશ્કેલ સંબંધોના પરિણામે ૧૯૯૬માં ડાયવોર્સ પછી સ્વૈચ્છિકપણે છોડી દીધું હતું. આ પછી તેઓ માત્ર પ્રિન્સેસ ઓફ વેલ્સ તરીકે ઓળખાતાં હતાં.
એક વર્ષ પછી ઓગસ્ટ ૧૯૯૭માં માર્ગ અકસ્માતમાં ડાયેનાનું કરૂણ મૃત્યુ થયું હતું. ડાયેનાને મરણોત્તર ‘રોયલ હાઈનેસ’ ટાઈટલ પુનઃ આપી શકાય કે કેમ તેની ચર્ચા બકિંગહામ પેલેસમાં ચાલી હતી. જોકે, ડાયેનાના પરિવારે કહ્યું હતું કે આમ કરવું તે ડાયેનાની ઈચ્છા વિરુદ્ધ ગણાશે. રોયલ ફેમિલીના પૂર્વ સભ્યને આ રીતે ટાઈટલ પ્રદાન કરવાનું અગાઉ કદી બન્યું ન હોવાથી પણ મરણોત્તર ટાઈટલ સ્થાપિત કરવાનો નિર્ણય પડતો મૂકાયો હતો. ડાયેનાની અંતિમવિધિ સમયે પિતા અર્લ સ્પેન્સરે કહ્યું હતું કે ડાયેનાને તેની જાદુઈ બ્રાન્ડ ચાલતી રહે તે માટે કોઈ રોયલ ટાઈટલની જરૂર નથી.
મેગનના ટાઈટલમાં પેલેસે લોચો માર્યો
પ્રિન્સ હેરીના પત્ની મેગનના ટાઈટલમાં પેલેસ અધિકારીઓએ ગંભીર ભૂલ કરી હોવાનું બહાર આવ્યું છે. હેરી, ધ ડ્યૂક ઓફ સસેક્સ અને મેગન, ધ ડચેસ ઓફ સસેક્સ તરીકે ઓળખાવાના છે. જોકે, ડચેસ ઓફ સસેક્સ મેગનને જે રીતે ટાઈટલ અપાયું છે તે સામાન્યપણે ડાયવોર્સ અપાયેલી પત્નીઓ અથવા વંશાનુગત ઉમરાવોની વિધવાઓને અપાય છે. આવી ઓળખમાં પ્રથમ તેમનું ક્રિશ્ચિયન નામ તે પછી કોમા (અલ્પવિરામ) અને અપાયેલા ટાઈટલનો સમાવેશ થાય છે. આ બાબતે ડાયેના, પ્રિન્સેસ ઓફ વેલ્સ અને સારાહ, ડચેસ ઓફ યોર્કનું ઉદાહરણ આપી શકાય.
હેરી સત્તાવાર લશ્કરી પોઝીશન્સ ગુમાવશે
સમજૂતીના પરિણામે પ્રિન્સ હેરી પોતાની સત્તાવાર લશ્કરી પોઝીશન્સ પણ ગુમાવશે. ડ્યૂક ઓફ સસેક્સ ૨૦૦૮થી ઓનરરી એર કમાન્ડન્ટ ઓફ રોયલ એર ફોર્સ હોનિંગ્ટનનો હોદ્દો ધરાવે છે. તેમણે દાદા ડ્યૂક ઓફ એડિનબરાના અનુગામીની ભૂમિકા સંભાળી હતી. આ ઉપરાંત, અફઘાન યુદ્ધના વેટરન હેરી ડિસેમ્બર ૨૦૧૭થી કેપ્ટન જનરલ ઓફ ધ રોયલ મરિન્સનો હોદ્દો સંભાળે છે. આ હોદ્દો પણ તેમને પ્રિન્સ ફિલિપના અનુગામી તરીકે મળ્યો છે. પ્રિન્સ હેરી હાલ કોમોડોર-ઈન-ચીફ ઓફ સ્મોલ શિપ્સ એન્ડ ડાઈવિંગ ફોર રોયલ નેવલ કમાન્ડનો હોદ્દો ૨૦૦૬થી ધરાવે છે.
બીજી તરફ, ખાનગી આશ્રયદાતા (પેટ્રોનેજ) અને એસોસિયેશનો માટે રોયલ પેટ્રોનેજની ભૂમિકા જાળવી રાખશે. હેરીની માતા ડાયેનાને પણ ડાયવોર્સ પછી રોયલ હાઈનેસ ટાઈટલથી વંચિત કરાયાં હતાં અને તેઓ પ્રિન્સેસ ઓફ વેલ્સ તરીકે ઓળખાતાં હતાં. ટાઈટલ પરિવર્તનનો અર્થ એ થશે કે બ્રિટિશ આર્મીમાં દસકો કાર્યરત હેરીએ તેના મિલિટરી પેટ્રોનેજ તેમજ કોમનવેલ્થ યુથ એમ્બેસેડરની ભૂમિકા છોડી દેવી પડશે પરંતુ, તે ક્વીન્સ કોમનવેલ્થ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અને મેગન ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે યથાવત રહેશે. જોકે, બ્રિટિશ તાજના પ્રિન્સ અને છઠ્ઠા ક્રમના વારસદાર તરીકે યથાવત રહેશે. હેરીની તેમની લશ્કરની કામગીરીનો સમય વિશેનો પ્રેમ જાણીતો છે.