પ્રિન્સ હેરી - મેગન રોયલ ફાઉન્ડેશન ચેરિટીમાંથી સત્તાવારપણે દૂર થયાં

Wednesday 04th September 2019 02:54 EDT
 
 

લંડનઃ શાહી પરિવારના બે પ્રિન્સ અને તેમની પત્નીઓ વચ્ચેની તિરાડ વધુ પહોળી બની છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને રોયલ ફાઉન્ડેશન ચેરિટીના ટાઈટલમાંથી સત્તાવારપણે દૂર કરવામાં આવ્યાં છે. આ સંસ્થા હવે ‘ધ રોયલ ફાઉન્ડેશન ઓફ ધ ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રિજ’ તરીકે જ ઓળખાશે તેવી સ્પષ્ટતા તેની વેબસાઈટ પર કરવામાં આવી છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ દ્વારા તેમની પોતાની ચેરિટી ‘ધ ફાઉન્ડેશન ઓફ ધ ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સ’ની સ્થાપના કરાઈ છે. અગાઉ ૧૮ મહિના પહેલા જ તેઓ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન સાથે ‘ફેબ ફોર’ તરીકે રોયલ ફાઉન્ડેશન ચેરિટીમાં સાથે કામ કરવા લાગ્યાં હતાં.

મેગન અને હેરી રોયલ ફાઉન્ડેશનથી અળગાં થશે તેવી જાહેરાત જૂન મહિનામાં કરાઈ હતી. વિલિયમ અને હેરીએ ૨૦૦૯માં ચેરિટેબલ કાર્યો માટે રોયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. કેટ ૨૦૧૧માં લગ્ન પછી ડચેસ ઓફ કેમ્બ્રિજ તરીકે અને મેગન મે ૨૦૧૮માં તેમાં સામેલ થઈ હતી. ફાઉન્ડેશનથી અલગ થવાના ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સના પગલાને તેઓની જાહેર ફરજોના વિભાજનના પ્રથમ કદમ તરીકે જોવાય છે. એમ કહેવાય છે કે મેગન અને હેરી ડચેસના વતન અમેરિકા અને હેરીને પ્રિય એવા આફ્રિકા સહિત વિદેશમાં કામ કરવા ચેરિટીની સ્થાપના કરશે. આફ્રિકામાં હેરીની સેન્ટેબેલ ચેરિટીનું મથક છે. તેમના ભાવિ ચેરિટી પ્રોજેક્ટ્સ ગ્લોબલ આઉટરીચ ધરાવનારા હશે.

બજેટ એરલાઈનનો વિવાદ

પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને બાલ્મોરલ વિરામ પછી બાળકો સાથે ઘેર જવા માટે ફરી બજેટ એરલાઈનનો ઉપયોગ કર્યો હતો. સપ્તાહ અગાઉ પણ તેમણે પ્રિન્સ ફિલિપ અને ક્વીન સાથે રજાઓ ગાળવા બાલ્મોરલ જવા સસ્તાં ભાડાંની એરલાઈનનો ઉપયોગ કર્યો હતો. આ ફ્લાઈટમાં ઉડ્ડયન પાછળ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પરિવારને ૩૬૫ પાઉન્ડનો જ ખર્ચ થયો હોવાનું કહેવાય છે.

બીજી તરફ, પ્રિન્સ હેરી અને મેગને પર્યાવરણીય મુદ્દાઓ પર ઉપદેશરુપ વાતો કર્યા પછી યુરોપના પ્રવાસ માટે મોંઘા ખાનગી જેટ વિમાનનોનો ઉપયોગ કરવા બદલ ભારે ટીકાને પાત્ર બન્યાં હતાં. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે નીસ જવા માટે ૧૨ સીટના સેસના પ્લેનનો ઉપયોગ કર્યો હતો, જેને ભાડે લેવાં પાછળ ઓછામાં ઓછાં ૨૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થાય છે અને કોમર્શિયલ ફ્લાઈટની સરખામણીએ વ્યક્તિદીઠ સાત ગણું એમિશન્સ છોડે છે. તેમણે માત્ર ૧૧ દિવસમાં ચાર ખાનગી જેટ ફ્લાઈટ્સ લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter