લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ- પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને ત્યાં શુક્રવાર, ૪ જૂને પુત્રીનો જન્મ થયો છે. આ દીકરીનું નામ લિલિબેટ ડાયેના માઉન્ટબેટન-વિન્ડસર રખાયું હોવાની જાહેરાત પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું લાડકું નામ લિલિબેટ છે. દીકરીના જન્મ અગાઉ જ તેનું નામ લિલિબેટ રખાશે તેમ હેરી અને મેગને ક્વીનને જણાવ્યું હોવાનું કહેવાય છે. ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ, ડચેસ ઓફ કોર્નવોલ, ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે પણ શાહી પરિવારમાં નવા આગમનને વધાવી લીધું હતું. નવજાત બાળકીની તસવીરો હાલ જાહેર નહિ કરાય.
પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે પોતાની નોકરીઓમાંથી પેરન્ટલ લીવ લીધી હોવાનું જણાવવા સાથે પુત્રીજન્મની જાહેરાત કરી છે. લિલિબેટ ડાયેનાનો જન્મ શુક્રવાર, ૪ જૂનની સવારે ૧૧.૪૦ કલાકે કેલિફોર્નિયાની ખાનગી સાન્ટા બાર્બરા કોટેજ હોસ્પિટલમાં થયો હતો. બાળકીનું નામ તેના પરદાદીના હુલામણા નામ લિલિબેટ પરથી જ્યારે મધ્યનામ દિવંગત દાદી પ્રિન્સેસ ઓફ વેલ્સ, ડાયેનાના નામ પરથી રખાયું છે. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સની પુત્રી લિલી ડાયેના તરીકે ઓળખાશે. પ્રિન્સેસ ડાયેનાનો ૬૦મો જન્મ દિવસ આગામી મહિને છે.
ક્વીન, રોયલ ફેમિલીના સીનિયર સભ્યો અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સહિત વિશ્વભરના મહાનુભાવોએ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સને પુત્રીજન્મના અભિનંદન પાઠવ્યાં હતાં. લિલી ડાયેના સસેક્સ દંપતીનું બીજું સંતાન છે. પ્રથમ સંતાન આર્ચી તેનાથી બે વર્ષ મોટો છે. લિલી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૧૧મી ગ્રેટ ગ્રાન્ડચિલ્ડ્રન અને શાહી પરિવારનું યુકેની બહાર જન્મેલું પ્રથમ બાળક છે. નવા નિયમો અનુસાર પ્રિન્સ ચાર્લ્સ કિંગ બનશે ત્યારે લિલી પ્રિન્સેસ અને આર્ચી પ્રિન્સ બનવાનો અધિકાર મેળવશે. રાજગાદીના વારસ તરીકે લીલીનું સ્થાન આર્ચી પછી આઠમા ક્રમનું રહેશે. લિલીના જન્મથી પ્રિન્સ એન્ડ્રયુ નવમા ક્રમે ધકેલાયા છે.
ક્વીનનું નામ પોતાની બાળકીને આપવા સાથે સસેક્સ દંપતીએ ઓપ્રાહ વિન્ફ્રે સાથેના વિસ્ફોટક ઈન્ટરવ્યૂ પછી શાહી પરિવારને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દીધો હતો તે બદલ ક્ષમાયાચના કરી હોવાનું જણાય છે. બીજી તરફ, બકિંગહામ પેલેસના અધિકારીઓ સસેક્સ દંપતીના બાળકના જન્મ વિશે અજાણ હતા. સોશિયલ મીડિયા પર સમાચાર પ્રસર્યા પછી પુત્રીજન્મની ખુશી દર્શાવતું નિવેદન જારી કરાયું હતું. આ બાબત, પેલેસ અને સસેક્સ દંપતી વચ્ચેની મોટી ખાઈ દર્શાવે છે. ક્વીનને તેમની ગ્રેટ-ગ્રાન્ડચાઈલ્ડના આગમનની કે તેનું નામ લિલી રાખવા માહિતી અપાઈ હતી કે કેમ તેના વિશેની ચર્ચા કરવા બકિંગહામ પેલેસે ઈનકાર કર્યો હતો.