લંડનઃપ્રિન્સ હેરી અને મેગન મર્કેલે ૧૯ મે, બુધવારે તેમની ત્રીજી લગ્નગાંઠ નિમિત્તે મુંબઈમાં કોમ્યુનિટી રીલિફ સેન્ટરનું નિર્માણ કરાવવાની યોજના જાહેર કરી છે. આ સેન્ટરનો ઉપયોગ સ્થાનિક લોકો માટે વેક્સિનેશન હબ તરીકે કરી શકાશે. મુંબઈનું આ સેન્ટર કેરેબિયન ટાપુ ડોમિનિકામાં નિર્માણ કરાયેલા કેન્દ્ર જેવું જ હશે. પ્રિન્સ હેરી અને મેગને જણાવ્યું હતું કે કોવિડ મહામારીથી ત્રસ્ત ભારતમાં મુંબઈ સેન્ટરમાં સ્થાનિક લોકોને વેક્સિન ઉપરાંત, ફૂડ અને તબીબી સારસંભાળ પણ પૂરી પાડવામાં આવશે.
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે તેમની ત્રીજી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરતા કોવિડ-૧૯નો સામનો કરી રહેલા ભારતને મદદ કરવા ડિઝાસ્ટર રીલિફ સેન્ટરના નિર્માણની જાહેરાત તેમની સત્તાવાર વેબસાઈટ પર કરી હતી. મુંબઈમાં સ્થપાનારું આ સેન્ટર સસેક્સ દંપતીના આર્ચવેલ ફાઉન્ડેશનના નેજા હેઠળ કેરેબિયન ટાપુ ડોમિનિકામાં નિર્માણ કરાયેલા કેન્દ્રની બ્લુપ્રિન્ટ પર આધારિત રહેશે. અહીં, સ્થાનિક લોકોને કોવિડ-૧૯ વેક્સિનેશન ઉપરાંત, મફત ભોજન અને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવે છે.
સસેક્સ દંપતીની વેબસાઈટ પર જણાવાયું છે કે,‘ આર્ચવેલ ફાઉન્ડેશન અને વર્લ્ડ સેન્ટ્રલ કિચનના ઉપક્રમે અમારું નવું કોમ્યુનિટી રીલિફ સેન્ટર ભારતના મુંબઈમાં સ્થાપવામાં આવશે જ્યાં, મહિલાઓના આરોગ્ય અને રોજગારીની તકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલું ભારતીય સંગઠન માયના મહિલા (Myna Mahila) કાર્યરત છે. ડચેસ ઓફ સસેક્સ લાંબા સમયથી આ સંસ્થાને સમર્થન આપી રહ્યાં છે. ડોમિનિકા સાઈટનું નિર્માણ ફેબ્રુઆરીમાં પૂર્ણ કરાયું છે અને પ્યુર્ટો રિકોમાં બીજો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. વર્લ્ડ સેન્ટ્રલ કિચન વિશ્વના આફતગ્રસ્ત વિસ્તારોમાં મફત ભોજન પુરું પાડતી ચેરિટી છે.
સસેક્સ દંપતીએ વિશ્વમાં કોરોના વાઈરસ વેક્સિનની સમાન વહેંચણી કરવાની માગણી કરવા સાથે ગરીબ દેશોમાં લોકોને પૂરતાં પ્રમાણમાં વેક્સિન મળી રહે તે માટે મોટી ફાર્મા કંપનીઓ વેક્સન પેટન્ટને જતી કરે તેવી પ્રમુખ બાઈડનની હાકલને ટેકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે મેગન સગર્ભા છે અને ઉનાળામાં તેમના બીજા સંતાનના અવતરણની અપેક્ષા છે.