લંડનઃ પ્રિન્સ હેરીએ તેમણે બે વર્ષ અગાઉ શાહી ફરજોનો ત્યાગ કર્યો તે પહેલા જે પોલીસ સુરક્ષા મળતી હતી તે મેળવવા યુકે સરકાર સામે કાનૂની જંગ છેડ્યો છે. પ્રિન્સની દલીલ છે કે પોલીસ સંરક્ષણ વિના તેમના પરિવાર માટે યુકે આવવું જોખમી અને મુશ્કેલ છે. પ્રિન્સ હેરીએ સુરક્ષાનો તમામ ખર્ચ ચૂકવવાની તૈયારી બતાવવા છતાં, બ્રિટનના પ્રવાસ દરમિયાન સરકાર દ્વારા પોલીસ સંરક્ષણ નહિ આપવાના નિર્ણયને પડકાર્યો છે.
શાહી પરિવારના કોઈ સભ્યે રાણીની જ સરકાર સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપ્યાની આ પ્રથમ ઘટના છે. પોતાના વકીલોને બ્રિટિશ સરકાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી આપવાના પ્રિન્સ હેરીના પગલાંથી શાહી પરિવાર સાથે તેમના સંબંધો વધુ કડવાશપૂર્ણ બનશે તેમાં કોઈ શંકા નથી. ક્વીનને પણ પૌત્ર હેરીના આ પગલાં વિશે જાણ કરાઈ છે. એક તરફ, ક્વીન પ્રિન્સ એન્ડ્રયુ સામે ન્યુ યોર્ક કોર્ટમાં જાતીય શોષણના કેસ બાબતે વ્યથિત છે તેવા સંજોગોમાં હેરીનું આ પગલું શિરદર્દ બની રહેશે. જો કાનૂની કેસ આગળ વધશે તો ડ્યૂક ઓફ સસેક્સ અને મિનિસ્ટર્સ વચ્ચે હાઈ કોર્ટમાં કાનૂની જંગ ખેલાશે.
પ્રિન્સ હેરીના વકીલોએ બે મહિના અગાઉ હોમ ઓફિસને ‘પ્રી-એક્શન પ્રોટોકલ’ પત્ર પાઠવી જણાવ્યું છે કે યુકે દ્વારા તેમને પોલીસ સુરક્ષા નહિ અપાય તો ન્યાયિક સમીક્ષાની માગણી કરાશે. પ્રિન્સ હેરીએ પોલીસ સુરક્ષાનો ખર્ચ પોતે ઉઠાવશે તેમ કહી જણાવ્યું હતું કે તેઓ બ્રિટિશ કરદાતાઓના શિરે બોજ નાખશે નહિ. વકીલોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટિશ મહારાણી એલિઝાબેથના પૌત્ર પ્રિન્સ હેરી અને તેમની અમેરિકન પત્ની મેગન મર્કેલે લોસ એન્જલસમાં નવી કારકિર્દી શરૂ કરવા માટે ૨૦૨૦માં બ્રિટિશ શાહી ફરજોનો ત્યાગ કર્યો હતો. આ પછી સસેક્સ દંપતી ખાનગી સુરક્ષા ટીમની સેવા લેતું રહ્યું છે. જોકે, પ્રિન્સ હેરી બ્રિટનના પ્રવાસે હોય તે સમયગાળામાં આ વ્યવસ્થાથી આવશ્યક સુરક્ષાસ્તર પ્રાપ્ત થઈ શકતું નથી. પ્રિન્સ હેરી પુત્ર આર્ચી અને સાત મહિનાની પુત્રી લીલીબેટ સાથે યુકેની મુલાકાત લેવા ઈચ્છે છે પરંતુ, પોલીસ સુરક્ષાના અભાવે તેમનો પરિવાર પોતાના વતન યુકેમાં પરત ફરવા અસમર્થ છે.
બ્રિટન સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે, યુકે સરકારનું સુરક્ષા તંત્ર સઘન અને પ્રમાણસર છે અને કોઇપણ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત માહિતી અપાતી નથી કારણકે તેનાથી વ્યક્તિની સુરક્ષા જોખમાય છે. પ્રવક્તાએ કહ્યું હતું કે કોઇપણ કાનૂની કાર્યવાહી પ્રક્રિયા પર ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે.


