પ્રિન્સ હેરીએ હવે બીબીસી સામે બાંયો ચડાવી

Wednesday 16th June 2021 05:38 EDT
 
 

લંડનઃ સસેક્સ દંપતીએ તેમની નવજાત દીકરીનું નામ લીલીબેટ રાખવા મુદ્દે ક્વીનની સાથે સલાહ-મસલત કરી નહિ હોવાનો દાવો કરાયા બદલ રોષે ભરાયેલા પ્રિન્સ હેરીએ બીબીસી સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. આમ, સસેક્સ દંપતી, બકિંગહામ પેલેસ અને બ્રોડકાસ્ટર બીબીસી વચ્ચે નવા વિવાદની શરુઆત થઈ છે. અગાઉ, બીબીસીના સંવાદદાતા માર્ટિન બશીર દ્વારા પ્રિન્સેસ ડાયેનાના ઈન્ટરવ્યૂના મુદ્દે પણ હેરીએ રોષ દર્શાવ્યો હતો.

પ્રિન્સ હેરી અને મેગન તેમની નવજાત બાળકીનું નામ આપવા બાબતે ક્વીન સાથે મસલત થઈ હતી કે કેમ તેની માહિતી આપવાના મુદ્દે બકિંગહામ પેલેસ અને બીબીસી સાથે યુદ્ધે ચડ્યા છે. બકિંગહામ પેલેસના વરિષ્ઠ સૂત્રે બીબીસીના રોયલ કોરસપોન્ડન્ટ જ્હોની ડાયમોન્ડને ૯ જૂને જણાવ્યું હતું કે નવી બાળકીને ક્વીનના બાળપણનું હુલામણું નામ આપવાના સસેક્સ દંપતીના નિર્ણય બાબતે ક્વીનનો અભિપ્રાય કદી પૂછાયો ન હતો.

બીબીસીનો રિપોર્ટ જાહેર થયાની ૯૦ મિનિટમાં જ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના ગાઢ મિત્ર ઓમિડ સ્કોબીના નિવેદનથી આ રિપોર્ટનું ખંડન કરાયું હતું. પ્રિન્સ હેરીએ બીબીસી રિપોર્ટનું ખંડન કરવા સાથે લો ફર્મ શિલિંગ્સ (Schillings) મારફત કાનૂની કાર્યવાહીની નોટિસ પણ આપી હતી. આના પરિણામે ક્વીને ખરેખર સંમતિ આપી હતી કે દંપતીએ તેમના ઈરાદાની જાણ માત્ર કરી હતી તેવો પેચીદો પ્રશ્ન ઉઠ્યો છે. પેલેસના બ્રીફિંગથી એવો સંકેત મળે છે કે ક્વીનને સસેક્સ દંપતીના નિર્ણયની માહિતી આપવામાં આવી હતી અને પરમિશન માગવાના બદલે તેને સ્વીકારી લેવા જણાવાયું હોવાની ક્વીનની લાગણી છે.

સસેક્સ દંપતીની બોમ્બશેલ બાયોગ્રાફી ‘ફાઈન્ડિંગ ફ્રીડમ’ના લેખક સ્કોબીએ દાવો કર્યો હતો કે ક્વીનની સંમતિ વિના સસેક્સ દંપતીએ લિલિબેટ નામનો ઉપયોગ કર્યો ન હોત. સ્કોબીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકીના જન્મ પછી ડ્યૂક ઓફ સસેક્સે સૌપહેલા ક્વીનનો સંપર્ક કર્યો હતો.

ડચેસ ઓફ સસેક્સે શુક્રવાર ૪ જૂને બાળકીને જન્મ આપ્યો હતો જેનું નામ લિલિબેટ ‘લિલી’ ડાયેના માઉન્ટબેટન-વિન્ડસર રખાયું છે. બેબીનું નામ તેની ગ્રેટ ગ્રાન્ડમધર ક્વીનના પારિવારિક હુલામણા નામ ‘લિલિબેટ’ પરથી તેમજ મધ્યનામ તેના દાદી પ્રિન્સેસ ઓફ વેલ્સ-ડાયેનાના નામ પરથી રખાયું હોવાનું સસેક્સ દંપતીએ જણાવેલું છે. શરુઆતમાં એમ જણાવાયું હતું કે બાળકીનું નામ જાહેર કરાય તે અગાઉ સસેક્સ દંપતીએ ક્વીન સાથે મસલત કરી હતી. જોકે, બકિંગહામ પેલેસના આંતરિક સૂત્રોએ દાવો કર્યો હતો કે ક્વીન સાથે મસલત કરાઈ ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter