લંડનઃ શાહી પરિવારમાં પ્રિન્સ હેરીના વધુ એક બોમ્બશેલની સંભાવનાએ ગભરાટ ફેલાયો છે. પ્રિન્સ હેરી તેમના નવા સંસ્મરણ પુસ્તક માટે માતા પ્રિન્સેસ ડાયનાના જીવન સંબંધે સંશોધનોમાં લાગ્યા છે અને માતાનાં પુરાણા મિત્રોનો સંપર્ક કરી રહ્યા છે. હેરીને આ પુસ્તક માટે પબ્લિશર્સ પાસેથી ૧૫ મિલિયન પાઉન્ડની એડવાન્સ રકમ અપાઈ છે. શાહી સૂત્રોના જણાવ્યા અનુસાર હેરીના પુત્ર આર્ચીના શરીરની ત્વચાના રંગ વિશે જે શાહી સભ્યે રેસિસ્ટ ટીપ્પણી કરી હોવાનો આક્ષેપ પ્રિન્સે કર્યો હતો તેનું નામ જાહેર કરવા તેમના પર દબાણ કરાઈ રહ્યું છે અને કદાચ નવા પુસ્તકમાં તેનો બોમ્બવિસ્ફોટ થઈ શકે છે.
પ્રિન્સ હેરીએ લેડી ડાયેનાના જીવનનું પુનરાવર્તન થતું અટકાવવા પત્ની મેગન મર્કેલ અને પુત્ર આર્ચી સાથે યુએસ સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો હોવાનું વારંવાર જણાવ્યું છે. પ્રિન્સેસ ડાયેનાના જીવન અને ડાઈવોર્સ બાબતે પ્રિન્સ દ્વારા કરાનારા પુસ્તકના વિવરણોમાં પિતા પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલ્લાને ખરાબ ચીતરવામાં આવશે તેવી ચિંતા પણ વ્યક્ત કરાય છે. અગાઉ એમ મનાતું હતું કે પ્રિન્સ હેરી મોટા ભાગનું લેખનકાર્ય ઘોસ્ટરાઈટરને સોંપી દેવાના છે. જોકે, હેરી જે રીતે માતાનાં પુરાણા મિત્રોનો સંપર્ક કરવામાં સંકળાયા છે તેનાથી પેલેસના સૂત્રો પણ આશ્ચર્યચકિત છે.
રોયલ એક્સપર્ટ પેની જુનોરે જણાવ્યું હતું કે ‘પબ્લિશર્સ તેમના નાણાની કિંમત વસૂલવા કહેવાતા રેસિસ્ટ શાહી સભ્યના નામ જાહેર કરાવવા માગશે. પ્રિન્સ માતાના જીવન વિશે સંશોધન કરી રહ્યા છે તેનો અર્થ એ છે કે તેઓ પેરન્ટ્સના લગ્ન, બ્રેક અપ, એફેર્સની પણ વાતો કરશે. આ તેના પિતા અને કેમિલ્લા માટે ભારે નુકસાનકારી બનશે. ચાર્લ્સ કિંગ અને કેમિલ્લા તેમની ક્વીન બનવાનાં છે. મારાં માનવાં અનુસાર ખોટાં, ખોટાં આક્ષેપો પર આધારિત રોષના વધુ એક ઉછાળાની દેશ કે તેમને જરૂર નથી.
માર્ચ મહિનામાં પ્રિન્સ હેરીએ યુએસ ટોક શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રેને જણાવ્યું હતું કે તે કદી કથિત શાહી રેસિસ્ટનું નામ જાહેર નહિ કરે પરંતુ, હેરી અને મેગન આ નામ જાહેર કરવાના ભારે દબાણ હેઠળ હોવાનું મનાય છે. હેરીએ પબ્લિશર્સ પેંગ્વિન રેન્ડમ હાઉસ સાથે ૧૫ મિલિયન પાઉન્ડનો અનેક બુક્સનો સોદો કર્યો છે જેમાંની એક બુક તેમના સંસ્મરણોની હોવાનું કહેવાય છે.