લંડનઃ ઓપ્રાહ વિન્ફ્રે ઈન્ટરવ્યૂ પછી ડ્યૂક ઓફ સસેક્સ હેરીએ પિતા પ્રિન્સ ચાર્લ્સ અને મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી પરંતુ, તે ફળદાયી નહિ નીવડ્યાનું ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સના અંતરંગ સૂત્રે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ વિલિયમે શાહી પરિવાર કોઈ પણ રીતે રંગભેદી નથી અને તેઓ હેરી સાથે વાત કરશે તેમ અગાઉ જણાવ્યું હતું.
અમેરિકાના હાઈ પ્રોફાઈલ ટેલિવિઝન જર્નાલિસ્ટ્સમાં એક અને વિન્ફ્રેની ગાઢ મિત્ર ગાયલે કિંગે જણાવ્યું હતું કે, મંત્રણા શરુ થવાથી દંપતીએ હળવાશ અનુભવી હતી પરંતુ, મેગન વિરુદ્ધ નવી નિરાશાજનક વાતો બહાર આવતા તેઓ વ્યગ્ર પણ છે. ગાયલે કિંગે મેગનના આર્ચીના જન્મ અગાઉ બેબી શાવરવિધિમાં પણ હાજર રહી હતી.
CBSના બ્રેકફાસ્ટ શો ‘ધીસ મોર્નિંગ’ની કો-હોસ્ટ કિંગે પ્રિન્સ હેરીએ વિન્ફ્રે ઈન્ટરવ્યૂ પછી ડ્યૂક ઓફ કેમ્બ્રિજ વિલિયમ અને પ્રિન્સ ઓફ વેલ્સ સાથે વાતચીત કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ બંને વાતચીત ફળદાયી રહી ન હતી પરંતુ, વાતચીત શરુ થયાનો તેમને આનંદ છે. પેલેસ ખાનગી રાહે બધા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માગતા હોવાનું રટણ કર્યું છે તેનાથી સસેક્સ દંપતી વ્યગ્ર પણ છે કારણકે મેગન વિરુદ્ધની ઘણી વાતો બહાર આવતી રહે છે અને શાહી પરિવારમાંથી કોઈએ હજુ મેગન સાથે વાત કરી નથી.
ઓપ્રાહના ઈન્ટરવ્યૂમાં હેરીએ પિતા ચાર્લ્સ અને મોટા ભાઈ વિલિયમને બંધનમાં જકડાઈ ગયેલા ગણાવ્યા હતા. તેણે પ્રિન્સ ચાર્લ્સ વિશે કહ્યું હતું કે પિતાએ તેનો નાણાકીય રીતે બહિષ્કાર કરી દીધો હતો, મેગન સાથે કેનેડામાં રહેવાસ દરમિયાન તેના કોલ્સ લેવાના બંધ કરી દીધા હતા અને તેને નીચાજોણું કરાવ્યું હતું.
બ્રેકફાસ્ટ શો પર કિંગની ટીપ્પણીઓ પછી ITVના રોયલ એડિટર ક્રિસ શિપે ટ્વીટમાં જણાવ્યું હતું કે મેગનની પરવાનગી વિના કિંગે લાખો દર્શકો સમક્ષ આ ટીપ્પણીઓ કરી ન હોય તે સ્પષ્ટ છે. આ હવે નવો અભિગમ દેખાય છે. હવે મેગન ઈચ્છશે તો પરિવારની ખાનગી ચર્ચાવિચારણાઓ અન્યો મારફતે જાહેર કરશે.


