પ્રિન્સ હેરીની પોતાની જ ચેરિટી સંસ્થાએ લંડન હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો

પ્રિન્સ હેરીએ લિસોથોના પ્રિન્સ સિસો સાથે મળીને માતા પ્રિન્સેસ ડાયનાની સ્મૃતિમાં આફ્રિકન ચેરિટી સેન્ટેબેલની સ્થાપના કરી હતી

Tuesday 14th April 2026 10:54 EDT
 
 

લંડન: બ્રિટિશ રાજવી પરિવારના સભ્ય પ્રિન્સ હેરી ફરી એકવાર કાયદાકીય વિવાદમાં ફસાયા છે. પોતાની સ્વર્ગસ્થ માતા પ્રિન્સેસ ડાયનાની સ્મૃતિમાં તેમણે સ્થાપેલી આફ્રિકન ચેરિટી 'સેન્ટેબેલ' એ જ તેમની સામે લંડનની હાઈકોર્ટમાં બદનક્ષી અને માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

સંસ્થાનો આરોપ છે કે પ્રિન્સ હેરી અને સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી માર્ક ડાયરે મળીને માર્ચ ૨૦૨૫થી ચેરિટી વિરુદ્ધ એક વ્યવસ્થિત અને નકારાત્મક મીડિયા અભિયાન ચલાવ્યું હતું. સંસ્થાના જણાવ્યા અનુસાર આ અભિયાનને કારણે સંસ્થાની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે, ભાગીદારો અને સ્ટાફ સાથેના સંબંધો વણસ્યા છે તેમજ નેતૃત્વ પર ગેરવાજબી સાયબર-બુલિંગ થયું છે.

આ વિવાદની શરૂઆત ૨૦૨૩માં ભંડોળ એકત્ર કરવાની વ્યૂહરચનામાં મતભેદો સાથે થઈ હતી. પ્રિન્સ હેરી અને લિસોથોના પ્રિન્સ સીસોએ માર્ચ ૨૦૨૫માં સંસ્થાના ચેરપર્સન ડો. સોફી ચાંદૌકા સાથેના ગજગ્રાહ બાદ ચાંદૌકાએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ચાંદૌકાએ હેરી પર ધાકધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે હેરીના પ્રવક્તાએ આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.

પ્રિન્સ હેરીના પ્રતિનિધિએ આ કાયદાકીય કાર્યવાહીને અત્યંત વાંધાજનક ગણાવી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે લોકોએ બે દાયકા સુધી આ સંસ્થાને ઉભી કરવા માટે મહેનત કરી, તેમની સામે જ કાયદાકીય લડાઈમાં નાણાં ખર્ચવા તે આશ્ચર્યજનક બાબત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter