પ્રિન્સ હેરીની બુકમાં વિસ્ફોટક બોમ્બશેલ?

Tuesday 27th July 2021 15:34 EDT
 

લંડનઃપ્રિન્સ હેરી જે પુસ્તક-મેમોર્સ લખી રહ્યા છે તેમાં રેસિઝમ, પારિવારિક વિખવાદ, મેગનના આત્મઘાતી વિચારો, પિતા પ્રિન્સ ચાર્લ્સ સાથે નાણાકીય સંબંધો, મોટા ભાઈ વિલિયમ સાથેના સંબંધો, લગ્નવેળાએ મેગન અને કેટ વચ્ચે વિવાદ અને લિલિબેટના નામ સહિત આઠ બોમ્બશેલ હોવાની ધારણા રખાય છે. પ્રિન્સ હેરીએ ખાતરી આપી છે કે પુસ્તકમાં તેના જીવનનું ચોકસાઈ અને સત્યપૂર્ણ વિવરણ હશે. ડ્યુક ઓફ સસેક્સે પોતાના પુસ્તક વિશે જાહેરાત કરતા જણાવ્યું છે કે તેમાં તેમના ‘સાહસો, શું ગુમાવ્યુ અને મળેલા બોધપાઠ’ લોકો સાથે શેર કરશે.

હેરી અને મેગને એક વર્ષ રોયલ ફેમિલી સાથે લગભગ છેડો ફાડ્યા પછી ધ ફર્મ અને રાજમહેલની દીવાલો પાછળ વીતાવેલા સમયની ચર્ચા કરવા ચેટક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથેના વિસ્ફોટક ઈન્ટરવ્યૂ તથા જેમ્સ કોર્ડેન સાથે હેરીની વાતચીત સહિતનો સહારો લીધો છે. તેને ધ્યાનમાં રાખીએ તો હેરી એક વર્ષથી જે સંસ્મરણો લખી રહ્યા છે તેમાં કેટલીક વિસ્ફોટક અને રોચક માહિતી હોવાની સંભાવના છે. હેરીએ જણાવ્યું છે તે સ્વરુપે લખી રહ્યો છું. આટલા સમયગાળામાં મેં દેખીતી રીતે પણ ઘણી હેટ્સ પહેરી-બદલી છે અને મારી એવી આશા છે કે મારી આ કથની કહેવામાં મારા જીવનના ચડાવઉતાર, ભૂલો, મેં શીખેલા બોધપાઠથી હું દર્શાવી શકીશ કે આપણે ગમે ત્યાંથી આવ્યા હોઈએ, આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ સમાનતા આપણામાં છે.

હેરીના સંસ્મરણોમાં શું હશે તે અત્યારે તો માત્ર ધારણાનો વિષય છે પરંતુ, હેરી અને મેગન ધ ફર્મને છોડી યુએસ શા માટે ગયા તેના વિશે જાણકારી અવશ્ય મળશે. એક સૂત્રના જણાવ્યા અનુસાર હેરીના પુસ્તકના વિચારથી શાહી વર્તુળોમાં ‘ભયની સુનામી’ ફેલાઈ છે. હેરી અને મેગને ઘણા મુદ્દાઓ પર દિલ ખોલીને વાત કરી નથી તેના વિશે આ પુસ્તકમાં કદાચ સચ્ચાઈ મળી શકે છે.

હેરી-મેગને વિન્ફ્રે સાથે ઈન્ટરવ્યૂમાં એવો પર્દાફાશ કર્યો હતો કે શાહી પરિવારમાં રંગભેદ પ્રવર્તે છે. તેમના પુત્ર આર્ચીના જન્મ અગાઉ જ તેની ત્વચાનો વર્ણ કેવો હશે તેની ચર્ચા-ટીપ્પણીઓ રોયલ ફેમિલીમાં થતી હોવાનું હેરીએ કહ્યુ હતુ. જોકે, તેણે સ્પષ્ટ કર્યું હતું કે આવી ટીપ્પણી ક્વીન અને ડ્યૂક ઓફ એડિનબરા દ્વારા કરાઈ ન હતી. આ સમયે પ્રિન્સ વિલિયમે ભારપૂર્વક કહ્યું હતું કે શાહી પરિવાર જરા પણ રંગભેદી નથી.

પ્રિન્સ હેરીએ શાહી ફરજો છોડવાની જાહેરાત કર્યા પછી સાન્ડ્રિઘામ ખાતે ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમ સાથે જે વાતચીતો કરી તેમજ હેરી એને મેગનની ભાવિ ભૂમિકાનું નિરાકરણ લાવવા વિશે પણ સંસ્મરણોમાં વિગતો મળવાની શક્યતા છે. હેરી અને મેગને તેમની પુત્રીનું નામ લિલીબેટ રાખ્યું છે જે ક્વીનનું બાળપણથી હુલામણું નામ રહ્યું છે. જોકે, આ નામ રાખવામાં ક્વીનની પરવાનગી લેવાઈ છે કે કેમ તેના વિશે પણ વિવાદ છે. એમ કહેવાય છે કે પ્રિન્સ હેરીએ દાદીમા ક્વીન સાથે વાત કરી દીકરીનું નામ લિલીબેટ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વિવાદ મુદ્દે હેરી અને મેગને બીબીસીને કાનૂની નોટિસ પણ મોકલાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter