લંડનઃપ્રિન્સ હેરી અને મેગન મર્કલ વધુ એક સનસનાટી મચાવવા જઈ રહ્યા છે. આગામી વર્ષ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની તાજપોશીની પ્લેનિટમ જ્યુબિલીનું વર્ષ છે તે અરસામાં જ પ્રિન્સ હેરી પોતાના સંસ્મરણોનું પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છે. પ્રિન્સ હેરીએ તેમના સંસ્મરણો ‘ચોક્સાઈપૂર્ણ અને સંપૂર્ણ સત્ય’નું બયાન હશે તેવી ખાતરી આપી છે પરંતુ, તેનાથી શાહી પરિવારમાં નવા વિવાદો સર્જાશે તેવા ભયથી ફફડાટ સાથે રોષ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે ચેટક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથેના ઈન્ટરવ્યૂ અને વિવાદાસ્પદ ઘટસ્ફોટોના પગલે ડ્યુક ઓફ સસેક્સ દંપતી અને શાહી પરિવાર વચ્ચે સંબંધો તંગ બન્યા છે. જો આ પુસ્તકમાં નવા બોમ્બશેલ્સ હશે તો સંબંધોમાં વધુ કડવાશ આવશે તે નિશ્ચિત છે.
ક્વીનની તાજપોશીના ઐતિહાસિક પ્લેનિટમ જ્યુબિલી વર્ષ વખતે જ સંસ્મરણો પ્રકાશિત કરવાના પ્રિન્સ હેરીના નિર્ણયને ક્વીનની ભારે અવમાનના તરીકે ગણાવાઈ રહ્યો છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીય બ્રિટિશ રાજગાદી પર ૭૦ વર્ષ પૂરાં કરનારાં પ્રથમ શાસક બની રહ્યાં છે તેની ઉજવણીનો ભારે ઉલ્લાસ પ્રવર્તી રહ્યો છે તેમાં હેરીનું પુસ્તક નવી કડવાશ ઉભી કરશે. બકિંગહામ પેલેસ તેમજ અન્ય શાહી પરિવારોના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર હેરીએ આ સંસ્મરણોનું વિવરણ કરતું પુસ્તક લખ્યું છે તે કારણ ઉપરાંત, જે સમય પસંદ કર્યો તેના લીધે પણ સામે તેના અને મેગન વિરુદ્ધ રોષ વધી રહ્યો છે. અગાઉ પણ, પ્રિન્સ ફિલિપ હોસ્પિટલમાં હતા ત્યારે જ હેરી અને મેગનનો ઈન્ટરવ્યૂ પ્રસારિત કરાયો હતો.
ક્વીન પોતાના પૌત્ર સાથે સારા સંબંધ જાળવવા તમામ પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ, પ્રિન્સ હેરી અને મેગનને તેમાં કૌઈ રસ ન હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. એમ પણ કહેવાય છે કે આગામી જૂનમાં પ્લેટિનમ જ્યુબિલી સમયે બકિંગહામ પેલેસની બાલ્કનીમાં શાહી પરિવાર સાથે જોડાવા ક્વીન દ્વારા ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સને તેમના બાળકો સહિત હાજરી આપવાનું આમંત્રણ પાછું કેંચી લેવાશે. લંડનમાં પ્રિન્સેસ ડાયેનાના જન્મદિને તેમની પ્રતિમાના અનાવરણ સમયની મુલાકાત દરમિયાન રોયલ ફેમિલી સાથેના સંબંધોમાં સુધારો થયો ન હોવાના સંકેત મળેલા છે.
પ્રિન્સ હેરી પુલિત્ઝર વિજેતા લેખક જે. આર. મોહરિંગર સાથે મળી લગભગ એક વર્ષથી આ પુસ્તક પર ગુપ્તપણે કામ કરી રહ્યા હોવાનું કહેવાય છે. પબ્લિસર્શ પેન્ગ્વિન રેન્ડ હાઉસ દ્વારા પ્રકાશિત થનારા આ પુસ્તકની હસ્તપ્રતનો પ્રથમ ડ્રાફ્ટને હાલ કોઈ શીર્ષક અપાયું નથી અને આગામી ઓક્ટોબરની સમયમર્યાદાને અનુસરી લગભગ સંપૂર્ણપણે લખાઇ ગયો હોવાનું મનાય છે. એમ પણ કહેવાય છે કે પ્રિન્સ હેરીને તેમના સંસ્મરણો પ્રકાશિત કરવા માટે ઓછામાં ઓછા ૨૦ મિલિયન ડોલર મળી રહ્યા છે અને ૧૫ મિલિયન ડોલરની રકમ એડવાન્સ મળી છે. પુસ્તકના વેચાણની આવક દાનમાં અપાશે તેમ કહેવાયું છે ત્યારે હેરીને મળનારી રકમનું શું થશે તેવો પ્રશ્ન પણ કરાયો છે જેનો પ્રકાશક દ્વારા કોઈ ઉત્તર અપાયો નથી.આ પુસ્તક લખવા પાછળને મુખ્ય ઈરાદો નાણા કમાવવાનો જ હોય તેમ વધુ જણાય છે. શાહી નિષ્ણાતો અને આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર તો આ પુસ્તક પ્રિન્સ હેરી નહિ પરંતુ, મેગન દ્વારા લખાયું હોય તેની વધુ સંભાવના છે.
ડ્યૂક ઓફ એડિનબરાનું જીવનચરિત્ર ‘Prince Philip Revealed,’ લખનારા રોયલ એક્સપર્ટ ઈન્ગ્રિડ સેવાર્ડે કહ્યું હતું કે નાના પુત્રના હાથે વધુ ટીપ્પણીઓથી પ્રિન્સ ચાર્લ્સની લાગણીઓ વધુ ઘવાશે. ક્વીનના પ્લેટિનમ જ્યુબિલી વર્ષમાં આવું થાય તેવો વિચાર જ નકામો છે. એમ લાગે છે કે પ્રિન્સ હેરીએ તેમના પરિવાર પર આની કેવી અસરો પડશે તેના વિશે વિચાર્યું જ નથી.