પ્રિન્સ હેરીને ‘ઈતિહાસના પુનરાવર્તન’નો ભયઃ બોમ્બશેલ ઈન્ટર્વ્યૂના બે પ્રીવ્યૂ જાહેર

Wednesday 03rd March 2021 04:47 EST
 
 

લંડનઃ પ્રિન્સ ફિલિપ ૯૯ વર્ષની વયે હોસ્પિટલમાં હાર્ટ કંડીશનનો સામનો કરી રહ્યા છે ત્યારે શાહી ફરજોથી મુક્ત કરાયેલા પ્રિન્સ હેરી અને પ્રેગનન્ટ મેગન મર્કેલ યુએસ ચેટ ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે ‘દિલ ખોલીને વાત’ કરનારા CBS ઈન્ટર્વ્યૂની રાહ જોઈ રહ્યાં છે. ‘ઓપ્રાહ વિથ મેગન એન્ડ હેરીઃ એ પ્રાઈમ ટાઈમ સ્પેશિયલ’ ઈન્ટર્વ્યૂ રવિવાર ૭ માર્ચે યુએસમાં અને યુકેમાં સોમવાર ૮ માર્ચે પ્રસારિત કરાશે. જોકે, યુકેમાં તેના પ્રસારણ અગાઉ બીબીસી દ્વારા ક્વીનનો રેકોર્ડેડ વાર્ષિક મેસેજ રજૂ કરાવાનો છે.

 ઓપ્રાહ સાથે મુલાકાતના બે પ્રીવ્યૂ જાહેર કરાયા હતા જેમાં દાવો કરાયો છે કે પૂર્વ અભિનેત્રી મર્કેલે શાહી પરિવારના વાતાવરણને ‘અસ્તિત્વ જાળવી ન શકાય તેવું ગણાવ્યું છે.’ બીજી તરફ, પ્રિન્સ હેરીએ પ્રીવ્યૂમાં પોતાની માતા પ્રિન્સેસ ડાયેના વિશે વાતો કરી હતી.

વિન્ફ્રેએ પ્રીવ્યૂ ક્લિપમાં જમાવ્યું હતું કે,‘હું એક બાબત સ્પષ્ટ કરી દેવા માગું છું કે ઓફ લિમિટ્સ હોય તેવો કોઈ વિષય નથી.’ ઓપ્રાહે હેરી અને મેગનને જણાવ્યું હતું કે તમે  મુલાકાતમાં ઘણા આઘાતજનક વાતો કહી છે.’ તેણે  મુલાકાતમાં ડચેસ ઓફ સસેક્સ મેગનને સીધો અને અણિયાળો પ્રશ્ન કર્યો હતો કે ‘તમે મૌન રહ્યા કે તમને ચૂપ કરી દેવાયા?’ પ્રિન્સ હેરીએ પ્રીવ્યૂમાં જણાવ્યું હતું કે તેની માતાએ સહન કરેલી યાતનાના કારણે તે પોતાના પરિવારને લોસ એન્જલસ લઈ ગયો છે. તેણે ‘મારી મોટી ચિંતા ઈતિહાસના પુનરાવર્તનની હતી’ તેવો ભય વ્યક્ત કરવા સાથે શાહી પરિવારને છોડવાનો નિર્ણય કઠણ હોવાનું પણ કહ્યું હતું. હેરીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે મેગનની સાથે બેસી ઓપ્રાહ સાથે વાત કરવામાં તે હળવાશ અનુભવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા તેની માતા આ પ્રોસેસમાંથી એકલી કેવી રીતે પસાર થઈ હશે તેનો તે વિચાર પણ કરી શકતો નથી. 

૩૦ સેકન્ડના ટ્રેઈલરમાં મેગન કશું બોલતી દર્શાવાઈ નથી પરંતુ, તેણે શાહી પરિવારમાં રહેવું અસહ્ય હોવાનું ગણાવ્યાનો દાવો કરાયો છે. હેરી અને મેગને ચેટ ક્વીન ઓપ્રાહ સાથે અલગ અલગ અને સંયુક્ત ઈન્ટર્વ્યૂ આપ્યો છે. CBS ના ગાયલે કિંગે જણાવ્યું હતું કે આ ઈન્ટર્વ્યૂ ઓપ્રાહે લીધેલી શ્રેષ્ઠ મુલાકાત છે.

પ્રિન્સ ફિલિપના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના

શાહી પરિવાર ૯૯ વર્ષીય ડ્યૂક ઓફ એડિનબરાના સ્વાસ્થ્યની પ્રાર્થનામાં લાગી ગયો છે. પ્રિન્સ ફિલિપને સેન્ટ બાર્થોલોમ્યુ હોસ્પિટલમાં સ્પેસિયાલિસ્ટ હાર્ટ ડોક્ટર્સની સંભાળ હેઠળ રખાયા છે. નિષ્ણાતોના માનવા અનુસાર તેમને ૬ સપ્તાહ માટે હોસ્પિટલમાં રાખી શકાય. શાહી પરિવારે પ્રિન્સ ફિલિપની નબળી તંદુરસ્તીના કારણે પ્રિન્સ હેરી અને મેગનનો આઘાતજનક બોમ્બશેલ ઈન્ટર્વ્યૂ કોરાણે ખસેડી દીધો છે.

દરમિયાન, BBCના ઈનકાર પછી આ ઈન્ટર્વ્યૂને પ્રસારિત કરવા ITV દ્વારા બ્રોડકાસ્ટર્સ CBSને ૧ મિલિયન પાઉન્ડ ચૂકવાયા છે જેનો ભારે વિરોધ કરાયો હતો. પ્રિન્સ ફિલિપ હોસ્પિટલમાં છે અને તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવાના સંજોગોમાં આ પ્રસારણ ‘ડિપ્લોમેટિક બોમ્બ’ પૂરવાર થશે તેમ જણાવાય છે. આ શોને ૯૦ મિનિટથી વધારી બે કલાકનો કરાયો છે જેથી એડવર્ટાઈઝર્સ પાસેથી પ્રતિ ૩૦ સેકન્ડની જાહેરાત માટે ૧૪૦,૦૦૦ પાઉન્ડના હિસાબે નાણા મેળવી શકાય. જોકે, આ પ્રસારણને મોટી સંખ્યામાં જાહેરાતો નહિ મળે તેમ પણ કહેવાય છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter