લંડનઃ બ્રિટિશ પ્રાઇવસી વોચડોગે જણાવ્યું છે કે પ્રિન્સેસ ઓફ વેલ્સ એબ્ડોમિનલ સર્જરી માટે લંડનની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે તેમના મેડિકલ રિપોર્ટની જાસૂસી કરવાનો હોસ્પિટલના સ્ટાફ દ્વારા થયેલા પ્રયાસના આરોપની અમે તપાસ કરી રહ્યાં છીએ. ઇન્ફર્મેશન કમિશ્નરની ઓફિસે જણાવ્યું હતું કે, અમે અમારી પાસે ઉપલબ્ધ માહિતીના આધારે તપાસ કરી રહ્યાં છીએ. અહેવાલો પ્રમાણે હોસ્પિટલના 3 કર્મચારીને સસ્પેન્ડ કરાયાં છે.
એક અખબારી અહેવાલમાં આરોપ મૂકાયો હતો કે કેટ મિડલ્ટન જાન્યુઆરીમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે ઓછામાં ઓછા એક કર્મચારીએ કેટના મેડિકલ રિપોર્ટની જાસૂસીનો પ્રયાસ કર્યો હતો. લંડનની આ પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રિન્સેસ કેટ પર 16મી જાન્યુઆરીના રોજ સર્જરી કરાઇ હતી અને બે સપ્તાહ બાદ તેમને રજા અપાઇ હતી.
પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટની કચેરી કેન્સિંગટન પેલેસે જણાવ્યું હતું કે, આ અહેવાલ લંડનની ક્લિનિક માટે ચિંતાજનક છે. હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટીવ એઆઇ રસેલે જણાવ્યું હતું કે, અમે તપાસના તમામ પગલાં લઇ રહ્યાં છીએ. અમારી હોસ્પિટલમાં કોઇ અમારા દર્દી કે સહકર્મચારીઓના વિશ્વાસનું ઉલ્લંઘન કરતું નથી.
હેલ્થ મિનિસ્ટર મારિયા કૌલફિલ્ડે જણાવ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ મામલામાં કેવા પ્રકારના પગલાં લેવા તે પોલીસ પર આધારિત છે. ઇન્ફર્મેશન કમિશ્નર પણ પગલાં લઇ શકે છે.