લંડન
રશિયાના આક્રમણના કારણે વિસ્થાપિત થયેલા યુક્રેનના બાળકો માટે યુકેમાં એકઠાં કરાયેલા પુસ્તકો અને અન્ય સ્ટેશનરી પ્રોડક્ટ્સ આપવા માટે એવોર્ડ વિનિંગ ફંડ રેઇઝરર 10 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થી મિલન પોલ કુમારે તેના માતાપિતા સાથે પોલેન્ડની મુલાકાત લીધી હતી. ઉત્તર ઇંગ્લેન્ડના ગ્રેટર માન્ચેસ્ટરના બોલ્ટનનો નિવાસી મિલન પોલ કુમાર તેના માતાપિતા સાથે યુક્રેન પર રશિયાના આક્રમણની પ્રથમ વરસી પહેલાં પોલેન્ડના ક્રેકોવ શહેરમાં પહોંચ્યો હતો. યુનિસેફની સહાયથી આયોજિત સમારોહમાં મિલન અને તેના માતાપિતાએ હાજરી આપી હતી.
પોતાના માનવતાના મિશન દરમિયાન મિલને જણાવ્યું હતું કે, મેં ઘણા નવા મિત્રો બનાવ્યાં છે અને હું તેમની ફરીવાર મુલાકાત લઇશ. બોલ્ટનમાંથી એકઠાં કરાયેલા પુસ્તકો, પેન્સિલ, માર્કર જેવી વસ્તુઓ મિલને આ બાળકોને ભેટમાં આપી હતી. તેણે નજીકમાં આવેલી પબ્લિક લાયબ્રેરીને પણ પુસ્તકો ભેટમાં આપ્યા હતા જેથી યુક્રેનના વિસ્થાપિત બાળકો તેનો ઉપયોગ કરી શકે.
મિલનને પોલેન્ડ સ્થિત યુક્રેનના કોન્સ્યુલેટ દ્વારા જનરલ કોન્સ્યુલેટની મુલાકાતનું આમંત્રણ અપાયું હતું. મિલનના આ મિશનને ઘણી સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી હતી જેમાં ટેસ્કોના કર્મચારીઓ અને નેશનલ લિટરસી ટ્રસ્ટનો સમાવેશ થાય છે.
મિલને યુક્રેનની શાળાઓ માટે ભંડોળ એકઠું કરવા માટે વાહનો ધોવાનું કામ કર્યું હતું અને પોતાના પોકેટ મનીને દાનમાં આપી દીધાં હતાં. એપ્રિલ 2022માં મિલનને પ્રિન્સેસ ડાયના એવોર્ડથી સન્માનિત કરાયો હતો.


